મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) માત્ર તેમની દમદાર અદાકારી કે ભારેખમ અવાજ માટે જ નહીં, પરંતુ તેમની અનોખી ફેશન સેન્સ માટે પણ જાણીતા છે. સામાન્ય રીતે મેન્સ ફેશનની દુનિયામાં, ખાસ કરીને રેડ કાર્પેટ પર, મોટાભાગના સ્ટાર્સ એ જ જૂના અંદાજમાં એટલે કે બ્લેક સૂટમાં જોવા મળે છે. પરંતુ બિગ બી આ ભીડમાં હંમેશાં અલગ તરી આવે છે. તેમનો સ્ટાઇલ અંદાજ કોઈ ટ્રેન્ડની પાછળ નથી દોડતો, પરંતુ પોતે જ એક નવો ટ્રેન્ડ સેટ કરે છે.
બિગ બીનો લુક અનુશાસન અને કંઈક અલગ વિચારવાનો અદભુત સમન્વય છે. તેઓ પરંપરાગત આઉટફિટ્સને પણ એક ખાસ ટ્વિસ્ટ સાથે એવી રીતે કૅરી કરે છે કે તે આખો લુક ક્લાસી બની જાય છે. આવો જાણીએ અમિતાભ બચ્ચનની એવી ૫ સિગ્નેચર સ્ટાઇલ વિશે, જેનો કોઈ તોડ નથી:

બંધ ગળા: એક મજબૂત ઓળખ
જ્યાં આજકાલના સ્ટાર્સ વેસ્ટર્ન સૂટ પસંદ કરે છે, ત્યાં અમિતાભ બચ્ચન ભારતીય અંદાજમાં બનેલા 'બંધગળા'ને પોતાની મજબૂત ઓળખ બનાવી છે. બંધગલાનું પર્ફેક્ટ ફિટિંગ અને તેનો ગ્રેસ બિગ બીના લુકમાં એક અનોખો આત્મવિશ્વાસ અને રોયલ ટચ ઉમેરે છે.

બે ઘડિયાળ પહેરવાનો યુનિક ટ્રેન્ડ
બિગ બી માટે ઘડિયાળ એ માત્ર સમય જોવાનું સાધન નથી, પણ એક 'સ્ટાઇલ સ્ટેટમેન્ટ' છે. ફેશનના નિયમોને તોડીને ઘણી વખત કાંડા પર એકસાથે બે ઘડિયાળો પહેરવી એ તેમનો સિગ્નેચર અંદાજ રહ્યો છે. આ સ્ટાઇલ દર્શાવે છે કે ફેશનમાં ક્યારેક નિયમો તોડીને પણ પોતાની અલગ ઓળખ બનાવી શકાય છે.

શૉલ ઓઢવાની શાહી રીત
અમિતાભ બચ્ચન જે ગરિમા અને સલીકાથી શૉલ ઓઢે છે, તે ખરેખર જોવા જેવું હોય છે. ખભા પર કલાત્મક રીતે નાખેલી કશ્મીરી અથવા સિલ્કની શૉલ તેમના આખા લુકને એક અલગ જ ગંભીરતા અને ભવ્યતા આપે છે. આ એક એવી સ્ટાઇલ છે જે બહુ મહેનત વગર પણ ઊંડી છાપ છોડી જાય છે.

ચશ્મા બન્યા પર્સનાલિટીની તાકાત
ચશ્મા હવે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વનું એક અવિભાજ્ય અંગ બની ચૂક્યા છે. મોટો આઈકોનિક ફ્રેમ અથવા તો લાઈટ કલરના લેન્સવાળા ચશ્મા તેમના ચહેરાને એક અલગ જ આકર્ષણ આપે છે. ચશ્માને નબળાઈ ગણવાના બદલે બિગ બીએ તેને પોતાની સ્ટાઇલની સૌથી મોટી તાકાત બનાવી દીધી છે.

વેલ્વેટ અને ડાર્ક કલર્સનું પર્ફેક્ટ બેલેન્સ
બિગ બી વેલ્વેટ જેવા રિચ ફેબ્રિક અને ડાર્ક કલર્સ સાથે પ્રયોગ કરવામાં ક્યારેય પાછળ નથી રહેતા. તેઓ ચળકતા કે ભપકાદાર દેખાવાના બદલે, આ ઘેરા રંગોને ખૂબ જ સાધારણ કપડાં સાથે એવી રીતે બેલેન્સ કરે છે કે તે ક્લાસિક દેખાય. આ ફેશન દર્શાવે છે કે સ્ટાઇલમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, દેખાવો નહીં.