મોગાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબના મોગા સિટીની મુલાકાત લીધી હતી. બદલાવ રેલીને સંબોધિત કરતા એમણે પંજાબની આમ આદમી સરકાર પર ચાબખા માર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ ચાલું કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી હવે પંજાબમાં એક શક્તિ બનીને આવશે. આ માટેની તમામ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ડ્રગ્સ, ભ્રષ્ટાચાર અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓ પર પંજાબ અને કોંગ્રેસ સરકારને ઘેરી હતી.
પ્રજાને અપીલ કરી
મોગામાં રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, પંજાબની પ્રજા આ ભારતીય જનતા પાર્ટીને એક મોકો આપશે તો પંજાબમાં પણ ફરી સુશાસન શરૂ થશે. સિખોના હુલ્લડમાં પીડિતોને ન્યાય અપાવવા અને र5 લાખની આર્થિક મદદ કરવા ખાતરી આપી હતી.
કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ક્યાંય હુલ્લડ થયા તો કાયદાકીય પગલાં લેવાતા ન હતા, જ્યારે ભાજપ સરકારે દોષિતોને જેલના સળીયાની પાછળ ધકેલી દીધા છે.જો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે તો આશરે 2 વર્ષમાં જ નશાનું નેટવર્ક પૂરી રીતે તોડી પાડવામાં આવશે. આ સાથે ધર્મ પરિવર્તનને રોકવા માટે પણ કડક કાયદો તૈયાર કરવામાં આવશે. પંજાબ સરકાર કેજરીવાલનું એટીએમ બની છે.
પંજાબના પૈસાથી હેલિકૉપ્ટરની સવારી
શાહે ઉમેર્યું હતું કે, પંજાબની પ્રજાના પૈસાથી કેજરીવાલ અન્ય રાજ્યમાં હેલિકોપ્ટરથી સવારી કરી રહ્યા છે. પંજાબ રાજ્ય ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ચૂક્યું છે. કોંગ્રેસના સમયમાં નહેરૂજીએ ડૉ. આંબેડકરને ચૂંટણી હરાવવા માટેના પ્રયાસ કર્યા હતા.હવે રાહુલ ગાંધી કોણ છે જે મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે? ખેડૂતો માટે સરકારે મોટી રાહત ઊભી કરી છે. MSP પર ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે.