વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હીઃ દુનિયા આખી અત્યારે મિડલ ઈસ્ટમાં લાગેલી આગથી દાઝી રહ્યું છે. દુનિયાભરના આર્થિક તંત્રો હલી ગયા છે ત્યારે હવે અમેરિકામાંથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. યુદ્ધના કારણે લોકડાઉન અને એનર્જી ક્રાઈસીસ વચ્ચે હવે અમેરિકા સહિત અન્ય દેશમાંથી કોરોનાના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો મળ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના 20થી વધુ દેશોમાં કોવિડ-19ના કેસ ફરી વધ્યા હોવાના અહેવાલ છે. યુ. એસ.માં કોવિડ વેરિઅન્ટ SARS-CoV-2 BA.3.2 ના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, આ વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. યુ.એસ. સીડીસી જણાવે છે કે આ વેરિઅન્ટ ઝડપથી વકરી રહ્યો છે, કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રશ્ન ઊભો થાય છે: શું કોવિડના કેસ અન્ય દેશોમાં પણ વધી શકે છે? શું માસ્ક પહેરવાનો યુગ પાછો આવી શકે છે?
દક્ષિણ આફ્રિકામાં વધ્યા કેસ
COVID-19નો SARS-CoV-2 BA.3.2 પ્રકાર નવો નથી. 2024માં દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારના ઘણા કેસ નોંધાયા છે. જો કે, તે હવે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાઈ રહ્યો છે. BA.3.2 પ્રકારના સ્પાઇક પ્રોટિન પર આશરે 75 પરિવર્તનો ઓળખાયા છે. આ સૂચવે છે કે આ પ્રકારનો વાયરસ ઝડપથી વકરી રહ્યો છે, જેના કારણે તે ફરી એકવાર સક્રિય થઈ ગયો છે. કેસની વધી રહેલી સંખ્યા તબીબો સહિત અનેક દેશના આરોગ્ય વિભાગ માટે ચિંતા પેદા કરી રહી છે.
મહામારી શું ફરી આવશે
આ મહામારી વિશે નિષ્ણાંત તબીબ ડૉ. જુગલ કિશોર કહે છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટનો કોઈ નવો કેસ નથી. ભારતમાં મોટાભાગના લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. એવામાં કોરોના વાયરસના કોઈ ગંભીર લક્ષણની આશંકા નથી. આ વેરિએન્ટમાં પણ કેટલાક લક્ષણો ગંભીર છે પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. માત્ર સતર્કતા અને સાવધાની રાખવાની જરૂર છે. અમેરિકા જેટલી ગંભીર સ્થિતિ ભારતમાં અત્યારે બિલકુલ નથી. જ્યાં સુધી માસ્ક પહેરવાની વાત છે ત્યાં સુધી માસ્કને લઈને હાલ કોઈ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી નથી.
બીમારીઓથી બચવા માસ્ક પહેરો
તબીબે જણાવ્યું હતું કે, માસ્ક ફરજિયાત થયું નથી પણ પબ્લિક ટ્રાંસપોર્ટ અને અતિ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાથી બીમારીઓથી અવશ્ય બચી શકાય છે. અમેરિકામાં જે રીતે કોવિડના કેસ વધી રહ્યા છે એને ધ્યાને લેતા હવે બીજા દેશમાં કોવિડના કેસ વધે એવી પૂરી શક્યતાઓ છે. પણ અમેરિકામાં જે વેરિએન્ટ છે એનાથી કોઈ મોટું જોખમ નથી.
વેક્સિનેશન બાદ શરીરમાં કોવિડના કોઈ ગંભીર લક્ષણ શરીરમાં લાંબા સમય સુધી ટકી શકતા નથી. આ વેરિએન્ટને લઈને ખાસ કોઈ બુસ્ટર ડોઝની જરૂર નહીં પડે.સંક્રમણને રોકી ન શકાય પણ સાવધાની અવશ્ય વર્તી શકાય છે.