Tue Oct 06 2026

Logo

વસઇમાં 2.05 કરોડ રૂપિયાનું અંબરગ્રીસ જપ્ત: પાંચ જણની ધરપકડ

2026-08-04 18:41:00
Author: Yogesh D. Patel
વસઇમાં 2.05 કરોડ રૂપિયાનું અંબરગ્રીસ જપ્ત: પાંચ જણની ધરપકડ

representative image


પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં પોલીસે 2.05 કરોડ રૂપિયાનું અંબરગ્રીસ (વ્હેલની ઊલટી) જપ્ત કરીને પાંચ જણની ધરપકડ કરી હતી.વસઇ પોલીસ સ્ટેશનની ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચને 2 ઑગસ્ટે સાંજે માહિતી મળી હતી કે બે વ્યક્તિ અંબરગ્રીસ વેચવા માટે જી.જી. કોલેજ નજીક આવવાની છે. આથી પોલીસ ટીમે કોલેજના પાછળના ગેટ પાસે પહોંચી ત્યારે તેમને બે જણ સ્કૂટર પર બેઠેલા નજરે પડ્યા હતા. પોલીસે બંને જણને તાબામાં લઇ પૂછપરછ કરતાં તેમની ઓળખ ઉદિત સુનીલ સાતવસે અને કૃષ્ણકાંત મહેન્દ્ર દેસાઇ તરીકે થઇ હતી. 

મૂળ પુણે અને સિંધુદુર્ગના વતની એવા બંનેની તલાશી લેવાતાં બેગમાંથી 2.05 કરોડ રૂપિયાનું અંબરગ્રીસ મળી આવ્યું હતું. બંને આરોપીની પૂછપરછમાં તેમના ત્રણ સાથીદારો વિશે જાણવા મળ્યું હતું. આથી પોલીસ ટીમે ત્રણેયની શોધ ચલાવી હતી અને તેમને વસઇમાં નવઘર બસ ડેપો પાસેથી પકડી લીધા હતા. ત્રણેય આરોપીમાં વિશાલ સંતોષ ઠાકરે, અકીલ કે. કૃષ્ણા પીવી અને સુહાદ ટીપી મોઇદ્દીન કોયાનો સમાવેશ હતો. 

આરોપી અકીલ અને સુહાદ કેરલમથી અંબરગ્રીસ વેચવા માટે વસઇ લઇ આવ્યા હતા, એવું તપાસમાં જણાયું હતું. પાંચેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.