અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીથી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ મુજબ, 5 જિલ્લામાં મંગળવારથી ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ ધબધબાટી બોલાવી શકે છે.
અંબાલાલે શું કહ્યું
અંબાલાલે કહ્યું, આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ખાસ કરીને વધુ વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલે કહ્યું, 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 22 અને 23 ઓગસ્ટ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે. 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસવાથી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. કેટલીક જગ્યાએ વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાને વિભાગે, મંગળવારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.