Mon Oct 05 2026

Logo

અંબાજી જતા પદયાત્રીઓ પર ઇડર નજીક કાર ફરી વળી, એકનું મોત 12 ઘાયલ

2026-09-21 22:04:00
Author: Chandrakant Kanoja
અંબાજી જતા પદયાત્રીઓ પર ઇડર નજીક કાર ફરી વળી, એકનું મોત 12 ઘાયલ

ઇડર: ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે શ્રદ્ધાળુઓ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઇડર-હિંમતનગર  હાઇવે પર શ્રદ્ધાળુઓને એક કારે ટક્કર મારી હતી. જેમાં એક શ્રદ્ધાળુ પદયાત્રીનું અવસાન થયું છે. જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સાંપડી છે. આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા મોટા ભાગના શ્રદ્ધાળુઓ દેવગઢબારિયા અને ગોધરા પંથકના  છે. 

ટોળાંએ કારને આગ પણ ચાંપી દીધી

જોકે, પદયાત્રીને માર્ગ પર જ વાહને કચડી નાખતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ ઉશ્કેરાયેલા ટોળાંએ કારને આગ પણ ચાંપી દીધી હતી. પોલીસને અકસ્માતની  જાણ થતાં જ ઘટના સ્થળે  પહોંચી હતી. તેમજ સ્થિતી પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ કાફલો તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલે પહોંચ્યો 

જ્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે. તેમજ ઘાયલોને તાત્કાલિક સારવાર માટેની તજવીજ હાથ ધરી છે. 

પદયાત્રીઓ માટેના અનામત માર્ગમાં કાર ઘૂસાડી દીધી

અંબાજી જતાં પદયાત્રીઓ માટે  તંત્ર દ્વારા હિંમતનગર થી ખેરોજ સુધીનો 110 કિલોમીટરનો હાઇવે વન-વે કરવામાં આવ્યો છે. જેમાં એક માર્ગ માત્ર અને માત્ર પદયાત્રીઓ માટે જ અનામત રખાયો છે. જો કાર ચાલકે પદયાત્રીઓ માટેના અનામત માર્ગમાં કાર ઘૂસાડી દીધી હતી અને પદયાત્રીઓને  ટક્કર મારી હતી.

જોકે, આ અકસ્માત બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત કરી છે.