Tue Aug 18 2026

Logo

લોન લેનાર ડિફોલ્ટ થાય તો બેન્ક ગેરન્ટર પાસેથી વસૂલી શકે છે લોનઃ અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

2026-08-11 20:38:33
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉઃ અલાહાબાદ હાઈ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો કે લોન લેનાર વ્યક્તિ લોન ન ચૂકવી શકે તો બેન્ક ગેરન્ટર પાસેથી બાકીની રકમ વસૂલી શકે છે. કોર્ટે કહ્યું હતું કે ગેરન્ટર વિરુદ્ધ કાર્યવાહી કર્યા પહેલા બેન્ક માટે લોન લેનાર વ્યક્તિ વિરુદ્ધ પોતાના કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવો જરૂરી નથી. 

તેણે ચુકાદો આપ્યો હતો કે ગેરંટરની જવાબદારી લોન લેનાર મુખ્ય વ્યક્તિની જવાબદારી જેટલી હોય છે. લેણદાર એક સાથે બંનેમાંથી એક અથવા બંને સામે કાર્યવાહી કરી શકે છે. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે ગેરન્ટરની જવાબદારી લોન લેનાર મુખ્ય વ્યક્તિ સમાન જ હોય છે.

જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ અવધેશ કુમાર ચૌધરીની લખનઉ બેન્ચે વિનીત પાંડે અને અનૂપ કુમાર મિશ્રા દ્વારા દાખલ કરાયેલી અલગ અલગ બે રિટ અરજીને ફગાવી દેતા આ વાત કરી હતી. આ બંન્ને પોતાના સાથી વિક્રાંત દુબે દ્ધારા યુપી પોસ્ટલ પ્રાઇમરી કોઓપરેટિવ બેન્ક લિમિટેડમાંથી લેવામાં આવેલી લોનના ગેરન્ટર બન્યા હતા.

દુબેએ 2022-23 દરમિયાન ત્રણ લોન લીધી હતી - "50,000 રૂપિયાની ફેસ્ટિવલ લોન, 3 લાખ રૂપિયાની ટૂંકા ગાળાની લોન અને 18 લાખ રૂપિયાની પર્સનલ લોન. દુબે લોન ન ચૂકવી શકતા બેન્કે વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાંથી બંન્ને ગેરન્ટરના પગારમાંથી દર મહિને 10,000 રૂપિયા કાપવા પણ કહ્યું હતું. 

અરજદારોએ દલીલ કરી હતી કે બેન્કે પહેલા મુખ્ય ઉધાર લેનાર પાસેથી બાકી રકમ વસૂલ કરવી જોઈએ અને બાકી રહેલી કોઈ પણ રકમ માટે જ ગેરંન્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેઓએ દલીલ કરી હતી કે ઉધાર લેનાર અને ગેરન્ટર પાસેથી એક સાથે વસૂલાત કરવી યોગ્ય નથી.

દલીલને ફગાવી દેતા, કોર્ટે ઈન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, 1872ની કલમ 128ને ટાંકી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ગેરન્ટરની જવાબદારી મુખ્ય દેવાદારની જવાબદારી જેટલી હોય છે. જ્યાં સુધી ગેરન્ટરના કોન્ટ્રાક્ટમાં અલગ કાંઈ કહેવામાં આવ્યું ના હોય.

કોર્ટે કહ્યું કે આનો અર્થ એ છે કે ગેરન્ટી આપનાર તે સંપૂર્ણ રકમ માટે જવાબદાર છે જેની સંપૂર્ણ જવાબદારી લોન લેનાર મુખ્ય વ્યક્તિની છે. જવાબદારી સંયુક્ત અને અલગ અલગ એમ બે પ્રકારની હોય છે, તેથી  લેણદાર એક અથવા બંને સામે કાર્યવાહી કરી શકે છે.