Sun Apr 19 2026

Logo

અજમેરમાં પ્રસંગમાં જતી બસને નડ્યો ગોઝારો અકસ્માત; 2 ના મોત અને 22 થી વધુ ઘાયલ

2026-04-19 17:12:36
Author: Devayat Khatana
Article Image

અજમેર: રાજસ્થાનના અજમેર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુષ્કરની ખતરનાક ઘાટીમાં એક ખાનગી બસ નિયંત્રણ બહાર જઈને પલટી મારી ગઈ હતી. આ બસમાં એક જ સમાજ અને પરિવારના લોકો સવાર હતા, જેઓ પીસાંગણ વિસ્તારના એક ગામમાં સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગતો અનુસાર, આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 22 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. અકસ્માતને પગલે માંગલિક પ્રસંગની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પુષ્કર ઘાટીના વળાંક પર ચઢાણ દરમિયાન ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ મુસાફરોની ચીકિયારીઓથી આખી ઘાટી ગુંજી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો મદદે દોડી આવ્યો હતો. બસમાં ફસાયેલા ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અજમેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર લોક બંધુ અને એસપી હર્ષવર્ધન જાતે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પુષ્કર ઘાટી તેના જોખમી વળાંકોને કારણે અગાઉ પણ અનેક અકસ્માતોનું કેન્દ્ર બની ચૂકી છે. કલેક્ટરે ડોક્ટરોની ટીમને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર માટે સૂચના આપી હતી, જ્યારે પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. હાલ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા અને ભારે વાહનોની ગતિ મર્યાદા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.