Tue Sep 15 2026

Logo

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, 31 મે સુધી ઉડાનો સ્થગિત

Jerusalem   2026-04-05 19:42:00
Author: Mumbai Samachar Team
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, 31 મે સુધી ઉડાનો સ્થગિત

જેરુસલેમ: પશ્ચિમ એશિયામાં સતત વણસી રહેલી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી એરલાઈન 'એર ઈન્ડિયા'એ મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયલ અને પડોશી દેશો વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે મુસાફરોની સુરક્ષા જોખમાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એરલાઈને તેલ અવીવ માટેની પોતાની તમામ સેવાઓ હાલ પૂરતી બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે.

એર ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા મળેલી પુષ્ટિ મુજબ, નવી દિલ્હીથી તેલ અવીવ વચ્ચે કાર્યરત તમામ ફ્લાઈટ્સ હવે 31 મે સુધી કાર્યરત રહેશે નહીં. માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ વિશ્વની મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે પણ ઈઝરાયલ માટેની તેમની સેવાઓ અટકાવી દીધી છે. હાલમાં ઈઝરાયલની સ્થાનિક એરલાઈન્સ જ ખૂબ જ કડક નિયંત્રણો અને મર્યાદિત સંખ્યામાં સંચાલન કરી રહી છે, જે ક્ષેત્રમાં વધી રહેલા ભયને દર્શાવે છે.

આ નિર્ણયની સીધી અસર ઈઝરાયલમાં વસતા 40,000 થી વધુ ભારતીય નાગરિકો પર પડી રહી છે. જે ભારતીયો સુરક્ષાના કારણોસર કે અંગત કામ માટે વતન પરત ફરવા માંગતા હતા, તેમની સામે હવે મુસાફરીનો મોટો પડકાર ઉભો થયો છે. સીધી ફ્લાઈટ્સ બંધ હોવાને કારણે ઘણા ભારતીયોને હવે જોર્ડન કે ઈજિપ્ત જેવા દેશોની જમીની સરહદ પાર કરીને લાંબી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.

મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓની મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. દૂતાવાસે 24x7 ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી છે અને જરૂરિયાતમંદો માટે રજીસ્ટ્રેશન અભિયાન પણ ચલાવ્યું છે. ભારતીય રાજદૂત જે.પી. સિંહ અને તેમની ટીમે તાજેતરમાં ભારતીયો સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને તેમને તમામ સંભવિત મદદની ખાતરી આપી છે. નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરી બાદ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધેલા સંઘર્ષની અસર હવે સમગ્ર ગલ્ફ રિજનમાં વર્તાઈ રહી છે.