મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના’માંથી બહાર કરાયેલી મહિલાઓને ફરી યોજનામાં સામેલ કરવાની માંગ સાથે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમન્સ એસોસિએશનએ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. સંસ્થાના જણાવ્યા મુજબ, તાજેતરની ચકાસણી બાદ લગભગ એક કરોડ મહિલાઓને યોજનામાંથી બહાર કરવામાં આવી છે. આ મહિલાઓને ફરી લાભ મળે તે માટે 20 સપ્ટેમ્બરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહિલા સંમેલનો અને અરજીઓ ભરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અભિયાનના પ્રથમ દિવસે પાલઘર જિલ્લાના દહાણુ તાલુકામાં આયોજિત સંમેલનમાં 3,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.એસોસિએશનના જણાવ્યા મુજબ, પાલઘર જિલ્લાના અન્ય તાલુકાઓમાં 27 સપ્ટેમ્બર સુધી આવા સંમેલનો યોજવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ અભિયાન ચલાવવામાં આવશે. સંસ્થાએ બહાર કરાયેલી મહિલાઓ પાસેથી ફોર્મ ભરાવી તેમની ફરિયાદો અને વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
એઆઈડીડબલ્યુએએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સંસ્થાનો દાવો છે કે શરૂઆતમાં લગભગ 2.63 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ ચકાસણી પ્રક્રિયા બાદ જુલાઈ 2026માં મોટી સંખ્યામાં મહિલાઓને લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવી હતી. હાલ લગભગ 1.66 કરોડ મહિલાઓ લાભાર્થી તરીકે બાકી હોવાનું એઆઈડીડબલ્યુએએ જણાવ્યું હતું.
જોકે, લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડા અંગે સરકાર તરફથી અલગ આંકડા અને કારણો પણ સામે આવ્યા છે. અગાઉની સરકારી ચકાસણીમાં ઈ-કેવાયસી પૂર્ણ ન કરનાર, આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવનાર, અન્ય યોજનાના લાભાર્થી, ઉંમરની પાત્રતા પૂર્ણ ન કરનાર સહિત વિવિધ કેટેગરીના નામો દૂર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી એ પણ કહેવામાં આવ્યું હતું કે પાત્ર મહિલાઓને યોજનામાંથી બહાર કરવામાં આવી નથી.
જો આ માંગ પૂર્ણ નહીં કરાય તો એઆઈડીડબલ્યુએએ મુંબઈમાં મંત્રાલય સુધી સંઘર્ષ મોરચો કાઢવાની જાહેરાત કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં યોજાનારા મહિલા સંમેલનો બાદ યોજનામાંથી બહાર કરાયેલી હજારો મહિલાઓને આ મોરચામાં જોડવામાં આવશે. એઆઈડીડબલ્યુએનું કહેવું છે કે અભિયાનનો મુખ્ય હેતુ પાત્ર મહિલાઓને ફરી યોજનાનો લાભ અપાવવાનો અને તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડવાનો છે.