Mon Aug 24 2026

Logo

અનંત અંતરિક્ષમાં ‘કૃત્રિમ મગજ’:  હવે AI ઉકેલશે બ્રહ્માંડનાં અકબંધ રહસ્ય!

2026-08-23 07:40:32
Author: Bharat Mehta
Article Image

ભરત મહેતા

અંતરિક્ષ વિજ્ઞાન હંમેશાં માનવજાત માટે રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યું છે. વર્ષોથી આપણે પૃથ્વી પર બેસીને ટેલિસ્કોપ અને રૉકેટ દ્વારા બ્રહ્માંડના છેડા સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ વર્તમાન સમયમાં વિજ્ઞાને એક નવો વળાંક લીધો છે.

હવે અવકાશમાં માત્ર રૉકેટ કે ઉપગ્રહો નથી જઈ રહ્યાં, પરંતુ તેમની સાથે માનવ મગજ જેવી જ બુદ્ધિ ધરાવતી ટેક્નૉલૉજી એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પણ અનંત અંતરિક્ષની સફરે નીકળી પડી છે. ‘AI ઇન સ્પેસ’ એ માત્ર કોઈ વૈજ્ઞાનિક ફિલ્મની વાર્તા નથી, પણ આજની વાસ્તવિકતા છે જે બ્રહ્માંડનાં અનેકવિધ  રહસ્ય ખોલવામાં ક્રાંતિ લાવી રહી છે.

 રોવર્સ: મંગળના મેદાનમાં AIની સવારી

અવકાશ સંશોધનમાં સૌથી મોટો પડકાર પૃથ્વી અને અવકાશ વચ્ચેના વિશાળ અંતરનો છે. જ્યારે કોઈ રોવર  (પરગ્ર્હ પર ઊતરીને સંશોથન કરતું અવકાશી વાહન)  મંગળ ગ્રહ પર હોય ત્યારે પૃથ્વી પરથી મોકલેલો સંદેશો ત્યાં પહોંચતાં અને ત્યાંથી વળતો જવાબ આવતાં ઘણી મિનિટો કે કલાકોનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન જો રોવર સામે કોઈ ખાડો, પથ્થર કે મુશ્કેલી આવે  તો પૃથ્વી પરના વૈજ્ઞાનિકો તુરંત નિર્ણય લઈ શકતા નથી. અહીં જ AI વરદાન સાબિત થાય છે. નાસા (NASA)નું પપર્સિવિયરન્સ રોવર’ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ રોવર મંગળની સપાટી પર પૃથ્વીના આદેશ વિના પોતાની જાતે જ રસ્તો નક્કી કરે છે, જોખમો ટાળે છે અને કીમતી પથ્થરોના નમૂના એકત્રિત કરે છે. AIના કારણે અવકાશયાનો હવે પસ્વયં-નિર્ભર’ અને પસમજદાર’ બન્યા છે.

બ્રહ્માંડનો ડેટા અને અદૃશ્ય ગ્રહોની શોધ

તારામંડળ અને ગૅલેક્સીઓમાંથી પૃથ્વી પર દરરોજ લાખો ગીગાબાઇટ્સ ડેટા અને તસવીરો મોકલવામાં આવે છે. ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી આ હજારો તસવીરોનું વિશ્ર્લેષણ કરવું માણસ માટે અશક્ય નહીં તો પણ વર્ષો માગી લે તેવું કામ છે. આ જગ્યાએ AI સેક્ધડોમાં અજાયબી કરી બતાવે છે. મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ, પૃથ્વી જેવા જ બીજા વસવાટ લાયક ગ્રહો (Exoplanets) શોધવામાં, તારાઓના તૂટવાની ઘટનાઓનું પૂર્વાનુમાન કરવામાં અને બ્લૅક હોલની ગતિવિધિઓ સમજવામાં મદદ કરે છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ AIની મદદથી ઘણા એવા ગ્રહો શોધી કાઢ્યા છે જે કદાચ માનવ આંખથી ક્યારેય દેખાયા ન હોત.

સ્પેસ ટ્રાફિક ને અંતરિક્ષનો કચરો:

અવકાશની સફર જેટલી રોમાંચક છે એટલી જ જોખમી પણ છે. પૃથ્વીની આસપાસ ફરતા હજારો નકામા થઈ ગયેલાં  ઉપગ્રહો અને રૉકેટના ટુકડાઓ જેને આપણે પસ્પેસ ડેબ્રિસ’ અથવા પઅંતરિક્ષનો કચરો’ કહીએ છીએ, તે ચાલુ ઉપગ્રહો અને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે મોટો ખતરો છે. આ કચરો કલાકના હજારો કિલોમીટરની ઝડપે ફરે છે. જો આ કચરાનો નાનો ટુકડો પણ અથડાય તો કરોડોનો પ્રોજેક્ટ મિનિટોમાં નષ્ટ થઈ શકે છે. AI સિસ્ટમ આ કચરાના નાનામાં નાના ટુકડા પર નજર રાખે છે અને સેટેલાઇટને સંભવિત ટક્કરથી બચાવવા માટે આપોઆપ તેનો રસ્તો બદલી નાખે છે. આ ટક્નૉલૉજી સ્પેસ ટ્રાફિક મૅનેજમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ ઊડતો રોબો છે અવકાશયાત્રીઓનો અનોખો મિત્ર

આ ઉપરાંત અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ AI હવે એક સક્ષમ સાથીદાર બન્યું છે. ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ‘CIMON’ નામનો એક ઊડતો AI રોબોટ મોકલવામાં આવ્યો છે. આ રોબોટ અવકાશયાત્રીઓ સાથે વાતચીત કરે છે, તેમના માનસિક તણાવને સમજે છે, પ્રયોગોમાં મદદ કરે છે અને સ્પેસ સ્ટેશનની આંતરિક સિસ્ટમ પર નજર રાખે છે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં લાંબો સમય રહેવાના કારણે અવકાશયાત્રીઓના શરીર પર થતી અસરોનું નિરીક્ષણ પણ AI આધારિત હેલ્થ મૉનિટરિંગ સિસ્ટમ દ્વારા થાય છે.

ઇસરો (ISRO)ની ક્રાંતિ:  ‘વ્યોમિત્ર’ અને ભવિષ્યના મિશન 

ભારતની સ્પેસ એજન્સી ઇસરો (ISRO) પણ આ રેસમાં પાછળ નથી. ભારતના મહત્ત્વાકાંક્ષી ’ગગનયાન’ મિશનમાં, જે અંતર્ગત ભારત પોતાના અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવાનું છે, તેમાં પવ્યોમિત્ર’ નામનો એક હ્યુમનોઇડ (માણસ જેવો) રોબોટ વિકસાવવામાં આવ્યો છે. આ રોબોટ સંપૂર્ણપણે AI સંચાલિત છે, જે મુખ્ય મિશન પહેલાં અવકાશમાં જઈને ત્યાંની પરિસ્થિતિઓનો તાગ મેળવશે અને સ્પેસ કૅપ્સ્યુલનાં પૅનલ ઑપરેશન સંભાળશે. આ ભારતની વિજ્ઞાન ક્ષેત્રે એક બહુ મોટી છલાંગ છે.

ભવિષ્યની સૃષ્ટિ: ચંદ્ર અને મંગળ પર માનવ વસાહત 

ભવિષ્યની વાત કરીએ તો મંગળ કે ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવા માટે AI સૌથી પાયાની જરૂરિયાત બનશે. મનુષ્ય ત્યાં પહોંચે તે પહેલાં AI રોબોટ્સ ત્યાં જઈને રહેવા માટેના ઘર (3D  પ્રિન્ટેડ હેબિટેટ્સ) તૈયાર કરશે, પાણીની શોધ કરશે અને ખેતીલાયક વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરશે.

અને જો AI કાબૂ બહાર જાય તો...

ટેક્નૉલૉજીના આ સિક્કાની બીજી બાજુ પણ છે. અવકાશમાં AIનો વધુ પડતો ઉપયોગ અને જો તે કોઈ ખોટા અલ્ગોરિધમના કારણે સ્વાયત્ત રીતે કોઈ ખોટો નિર્ણય લઈ લે તો અવકાશમાં મોટો વિનાશ સર્જાઈ શકે છે. તેથી જ વૈજ્ઞાનિકો એક સુરક્ષિત અને નૈતિક AI માળખું તૈયાર કરવા પર ભાર મૂકી રહ્યા છે.

ટૂંકમાં  ‘AI ઇન સ્પેસ’ એ સાબિત કરે છે કે માનવ બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિનો આ સમન્વય આપણને બ્રહ્માંડના એવા એવા અગોચર ખૂણાઓ સુધી લઈ જશે જ્યાં પહોંચવાની કલ્પના પણ અશક્ય હતી. પૃથ્વી પર બેસીને અફાટ આકાશ તરફ જોતી વખતે હવે આપણે ગર્વથી કહી શકીએ કે આપણું ભવિષ્ય તારાઓની વચ્ચે વધુ સુરક્ષિત અને અદ્ભુત બનવા જઈ રહ્યું છે. વિજ્ઞાનનો આ નવો સૂર્યોદય માનવજાતને અનંત આકાશનો રાજા બનાવશે એમાં કોઈ શંકા નથી.