Mon Oct 05 2026

Logo

અમદાવાદનાં મહિલા PIની ફરિયાદઃ પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો, ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે.........

2026-09-24 09:44:00
Author: Mayur Patel
અમદાવાદનાં મહિલા PIની ફરિયાદઃ પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો, ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે.........

Ai Image


અમદાવાદઃ કાયદાનું રક્ષણ કરનાર પોલીસ વિભાગના એક જવાબદાર અધિકારી પણ જ્યારે ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડનનો ભોગ બને, ત્યારે સમાજ માટે આ ઘટના એક લાલબત્તી સમાન સાબિત થાય છે. શહેરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદનાં મહિલા PIએ પતિ શરીર સંબંધ નથી બાંધી શકતો અને ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધી વિકૃત આનંદ લે છે તેવી ફરિયાદ નોંધાવી હતી. 


લગ્નના બીજા જ દિવસથી જ ત્રાસ

અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગના એક ખાતામાં છેલ્લા આઠેક વર્ષથી ફરજ બજાવતા મહિલા PI સાથે લગ્નના બીજા જ દિવસથી દહેજ બાબતે માનસિક-શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ભોગ બનનાર મહિલા ઇન્સ્પેક્ટરે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા PIએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ દિવસથી સાસરિયાંઓએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પતિ, સાસુ, સસરા તેમજ નણંદ દ્વારા ઓછું દહેજ લાવ્યા બાબતે સતત મહેણાં-ટોણાં મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

 ક્રૂરતાપૂર્વક અકુદરતી સંબંધ બાંધવા દબાણ

ફરિયાદમાં કરાયેલા સણસણતા આક્ષેપ મુજબ, મહિલા ઇન્સ્પેક્ટરનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને તે રોજ દારૂ પીને આવતો હતો. આ ઉપરાંત, તે શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હોવા છતાં અકુદરતી સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને સંબંધ બાંધવામાં નિષ્ફળ જતાં ક્રૂરતાપૂર્વક મારપીટ કરતો હતો. એક તરફ સાસરિયાંઓનો દહેજ માટે ત્રાસ અને બીજી તરફ નશાખોર પતિ દ્વારા થતી આ પ્રકારની ક્રૂરતાના કારણે મહિલા PI ગંભીર માનસિક યાતના ભોગવી રહ્યાં હતાં.

ઘરનો ખર્ચ મહિલા PI ઉપાડતાં

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઘરના તમામ ખર્ચા અને આર્થિક જવાબદારીઓ પણ મહિલા ઇન્સ્પેક્ટર પોતે જ ઉપાડતાં હતાં. તેઓ નોકરી કરતા હોવાથી રસોઈકામ માટે એક બહેનને રાખવામાં આવ્યા હતા. જોકે, આ બાબત સાસુને પસંદ ન હોવાથી તેમણે તે બહેનને કાઢી મૂકવા માટે સતત ઝઘડા કર્યા હતા. આટલું જ નહીં, મહિલા PIની ગેરહાજરીમાં સાસુ તેમની તિજોરી ખોલીને સામાન અસ્તવ્યસ્ત કરી નાખતી હતી. પતિએ પોતાની વીમા પોલિસીમાં પિતાનું નામ લખાવવા બાબતે પણ ઉગ્ર વિવાદ ઊભો કર્યો હતો.

પીડિતાની નણંદ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હોવાથી, તે મહિલા PIની જાણ બહાર તેમના બેંક ખાતાની ગુપ્ત વિગતો તપાસતી રહેતી હતી. બીજી તરફ, પતિ દ્વારા વારંવાર નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક તબક્કે પતિએ મહિલા PI પાસે રૂ. 7 લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો છૂટાછેડા આપી દેવાની ધમકીઓ આપી હતી.

સાસરિયાના સિતમથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાદ મહિલા PIએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે  ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.