Mon Oct 05 2026

Logo

અમદાવાદના લોકો વેકેશનનું આયોજન શાના આધારે કરે છે? જાણો ઈન્ટરનેશનલ સર્વે શું કહે છે

2026-08-07 08:49:00
Author: Mumbai Samachar Team
અમદાવાદના લોકો વેકેશનનું આયોજન શાના આધારે કરે છે? જાણો ઈન્ટરનેશનલ સર્વે શું કહે છે

Ai Image


અમદાવાદઃ અમદાવાદ શહેરના લોકો વેકેશનનું આયોજન શાના આધારે કરે છે તેનો એક ઈન્ટરનેશલ સર્વે થયો હતો. જે મુજબ વારસો, તહેવારો અને આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખીને અમદાવાદીઓ વેકેશનનું આયોજન કરી રહ્યા છે.

કોણે કર્યો સર્વે

ટ્રાવેલ એપ ‘સ્કાઈસ્કેનર’ના સર્વે અનુસાર, હવે અમદાવાદીઓ માત્ર ફરવા માટે નહીં, પણ વારસો, તહેવારો અને આધ્યાત્મિક અનુભવો મેળવવા માટે વેકેશનનું આયોજન કરી રહ્યા છે. 88% લોકોનો રસ આવી મુસાફરીમાં વધ્યો છે. 57% લોકો ઐતિહાસિક સ્થળો, 54% તહેવારો અને 54% લોકો ધાર્મિક/આધ્યાત્મિક યાત્રાઓ માટે પ્રવાસ પસંદ કરે છે.

સર્વેમાં ભાગ લેનારા 26% ગુજરાતીઓ ગુજરાતને જ સંસ્કૃતિની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માને છે. ત્યારબાદ રાજસ્થાન (25%), ઉત્તર પ્રદેશ (12%) અને કેરળ (7%) આવે છે. 74% લોકો તહેવારો માટે ખાસ ટ્રિપ ગોઠવે છે, જેમાં નવરાત્રી (55%) સૌથી લોકપ્રિય છે. પછી દિવાળી, રણ ઉત્સવ અને જન્માષ્ટમી આવે છે.

અમદાવાદીઓમાં સાંસ્કૃતિક વિદેશ પ્રવાસનો ક્રેઝ પણ વધ્યો છે. 59% લોકો ભવિષ્યમાં સાંસ્કૃતિક અનુભવ માટે વિદેશ જવા ઈચ્છે છે, જેમાં જાપાન (25%) પહેલી પસંદગી છે. ત્યારબાદ થાઈલેન્ડ, વિયેતનામ, ઈટાલી, યુકે અને ઈજિપ્તનો નંબર આવે છે.

લોકોના મતે અમદાવાદની સાચી ઓળખ તેના ગરબા (50%), ગુજરાતી ભોજન (45%), ધાર્મિક સ્થળો (42%) અને ગાંધીવાદી વારસા (38%) સાથે જોડાયેલી છે. આ ઉપરાંત, દ્વારકા-સોમનાથ, કચ્છનું રણ અને મોઢેરાના સૂર્ય મંદિર જેવા સ્થળોને હજુ વધુ પ્રમોટ કરવાની તક છે.