Fri May 01 2026

Logo

ગુજરાતમાં માવઠાનો માર: અમદાવાદ સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટાં

2026-02-23 16:57:24
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે આજે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહી સાચી ઠરી છે અને રાજ્ય ઠેર ઠેર કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ખાસ કરીને અમદાવાદ સહિત પાટનગર ગાંધીનગરમાં ભરબપોરે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં વરસાદ પડતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અણધાર્યા પલટાને કારણે ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં આજે વરસાદે ધમાકેદાર વરસાદ પડતા જનજીવન પર અસર જોવા મળી હતી.. બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદ પડતા માર્ગો ભીંજાયા હતા. ધૂળ અને ગરમીથી પરેશાન અમદાવાદીઓ માટે વાતાવરણમાં પ્રસરેલી ઠંડક ખુશનુમા સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે ગુજરાતના જામનગર, મોરબી, રાજકોટ, પાલનપુર, હિંમતનગર, અરવલ્લી, સુરત, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 

રાજ્યભરમાં આગામી ૨૪ કલાક ભારે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 24 કલાક ગુજરાત માટે મહત્વના છે. વાવાઝોડા અને તેજ પવન સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર અને મોરબી પંથકમાં તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી અને નર્મદા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદી માહોલ બાદ હવે 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી એકવાર મિશ્ર ઋતુનો અનુભવ થશે. આગામી દિવસોમાં બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે ગરમીનો અહેસાસ થશે. બીજી તરફ, લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડી જળવાઈ અનુભવ થશે. તાપમાનમાં આવતા આ ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.