Wed Apr 22 2026

Logo

અમદાવાદીઓ નહીં સુધરે, રોજ સરેરાશ 6753 વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા

2026-02-15 09:45:33
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનું પાલન કરાવવા પોલીસે ડ્રાઈવ, સ્પીડ ગન, સરપ્રાઈઝ મોબાઈલ વાન અને જાગૃતિ અભિયાન સહિત તમામ પ્રકારના નુસખા અજમાવી જોયા છતાં પરિણામ કંઈ આવ્યું નથી. 1 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીના માત્ર 44 દિવસના આંકડા શહેરના રસ્તાઓ પર ટ્રાફિક શિસ્તની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. શહેરમાં રોજ સરેરાશ 6,753 વાહનચાલકો હેલ્મેટ વગર પકડાયા હતા.

આ 44 દિવસમાં ટ્રાફિક વિભાગે 4,78,874 ચલાણ ઇશ્યૂ કર્યા છે અને 32.6 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ હિસાબે દરરોજ સરેરાશ 74 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારો આંકડો હેલ્મેટના નિયમભંગનો છે. સૂત્રોએ જણાવ્યું કે, વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા છે અને અમલીકરણ કડક કરવામાં આવ્યું છે, પરંતુ દૈનિક આંકડા અલગ જ વાર્તા કહે છે. ટ્રાફિક નિષ્ણાતોનું કહેવું છે કે હવે દંડથી આગળ વિચારવાનો સમય આવી ગયો છે. વારંવાર નિયમ તોડનારાઓને એક જ જગ્યાએ 2-3 કલાક ઉભા રાખવા જોઈએ અથવા જાહેર મિલકતોની સફાઈ જેવી સામાજિક ફરજો સોંપવી જોઈએ.

રોજ હેલ્મેટ વગર 6,753 વાહનચાલકો ઝડપાયા

હેલ્મેટ ફરજિયાત હોવા છતાં, 44 દિવસમાં 2,97,145 ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ વગર પકડાયા હતા. આનો અર્થ એ થયો કે દરરોજ 6,753 ચાલકો ઝડપાયા હતા, જેમને કુલ 14.85 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સ્પીડ કેમેરા અને સરપ્રાઈઝ વાન હોવા છતાં, 36,026 વાહનચાલકો ઓવરસ્પીડિંગ અને જોખમી ડ્રાઇવિંગ માટે ઝડપાયા હતા. એટલે કે દરરોજ 818 લોકો ગતિ મર્યાદા તોડે છે, જેમને કુલ 4.54 કરોડનો દંડ કરાયો છે. આ ઉપરાંત, 8,826 ચાલકો લાયસન્સ વગર ગાડી ચલાવતા પકડાયા હતા અને 68.44 લાખનો દંડ થયો હતો. જ્યારે 4,794 ચાલકો ચાલુ ડ્રાઈવિંગે ફોન વાપરતા ઝડપાયા હતા.

રાજ્યમાં દર બે મિનિટે 29 ઓનલાઈન ટ્રાફિક ચલણ ઈશ્યૂ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણા લોકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ ડિજિટલ રીત અપવનાવી રહી છે. રાજ્યમાં દર બે મિનિટે 29 ઓનલાઈન ટ્રાફિક ચલણ ઈશ્યૂ કરવામાં આવે છે. પરિવહન પોર્ટલ પર એક જ વર્ષમાં ચલણી સંખ્યા બમાણી થઈ છે.  આ આંકડો માત્ર વધતા જતા ટ્રાફિક ઉલ્લંઘનો જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત પોલીસિંગના ઝડપી વિસ્તારને પણ દર્શાવે છે. મળતી વિગત પ્રમાણે, માત્ર જાન્યુઆરી મહિનામાં જ 6.89 લાખ ઓનલાઈન ચલણ ફાડવામાં આવ્યા હતા. દૈનિક 22,239 ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો 2025ની દૈનિક સરેરાશ 20,948 કરતા ઘણો વધારે છે. આ ઉપરાંત 2024ની સરેરાશ 10,656 કરતાં તો લગભગ બમણો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં રાષ્ટ્રીય પરિવહન પોર્ટલનો સંપૂર્ણ અમલ થવાથી ડેટાનું સેન્ટ્રલાઈઝેશન થયું છે. જેના કારણે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડામાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર વસૂલવામાં આવતાં દંડનો સમાવેશ થતો નથી. તેથી વાસ્તવિક દંડની રકમ આ આંકડાઓ કરતા પણ ઘણી મોટી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 2024ની સરખામણીમાં 2025માં પરિવહન વેબસાઇટ પર નોંધાયેલા ચલણોની સંખ્યામાં લગભગ 96 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023માં આ સંખ્યા માત્ર 12.16 લાખ હતી, જે 2025માં વધીને 76.46 લાખ થઈ ગઈ છે – જે દર્શાવે છે કે ડિજિટલ પોલીસિંગ કેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે.

રાજ્યમાં આ વર્ષે ઓનલાઈન ચલણનો આંકડો એક કરોડને પાર થઈ શકે

આ વ્યવસ્થા હવે માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી. નાના નગરોમાંથી પસાર થતા હાઈવે પણ હવે CCTV સર્વેલન્સ હેઠળ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા મહાનગરોમાં કેમેરા લગાવેલા છે, જે 24 કલાક મોનિટરિંગ કરે છે. સૂત્રો મુજબ, વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક જામને કારણે ચલણની સંખ્યા હજુ વધશે. જો જાન્યુઆરીની આ જ ગતિ ચાલુ રહેશે, તો ગુજરાત આ વર્ષે 1 કરોડ ઓનલાઈન ચલણનો આંકડો પાર કરી શકે છે.