Sun Sep 13 2026

Logo

સોના કિતના સોના હૈઃ  અમદાવાદ-સુરત એરપોર્ટ પર બે વર્ષમાં રૂ. 228 કરોડનું સોનું સરકારી તિજોરીમાં જમા થયું

2026-08-06 20:49:35
Author: Pooja Shah
સોના કિતના સોના હૈઃ  અમદાવાદ-સુરત એરપોર્ટ પર બે વર્ષમાં રૂ. 228 કરોડનું સોનું સરકારી તિજોરીમાં જમા થયું

અમદાવાદઃ શહેરના અને સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે એપ્રિલ 2024થી માર્ચ 2026ના સમયગાળા દરમિયાન 228 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત કરીને સરકારી તિજોરીમાં જમા કરી દીધું છે.  કસ્ટમના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ 2024થી માર્ચ 2025ના સમયગાળા દરમિયાન કુલ 135 કિલોગ્રામ સોનું પકડવામાં આવ્યું છે અને જે તે સમયે 10 ગ્રામના 80,000 થી 85 હજારનો ભાવ માર્કેટમાં ચાલી રહ્યો હતો અને તે મુજબ રૂ. 110 કરોડનું સોનું પકડવામાં આવ્યું છે.  ત્યારબાદ એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન 95 કિલોગ્રામ ગોલ્ડ પકડવામાં આવ્યું છે, જેની માર્કેટવેલ્યુ આગળના વર્ષ કરતાં વધારે માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે એપ્રિલથી માર્ચ 26 સુધીના સમયગાળામાં સોનાનાં ભાવ વધીને સવા લાખ રૂપિયા સુધી પહોંચી ગયા હતા અને જે ગોલ્ડ એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન પકડાયું છે તેની માર્કેટ વેલ્યુ રૂ. 118 કરોડ માનવામાં આવે છે.

કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સોનું દાણચોરીનું હતું અને આ પ્રકારનું સોનું પેસેન્જરને ક્યારેય પરત કરવામાં આવતું નથી અને તે કેન્દ્ર સરકાર હસ્તક એટલે કે સરકારી તિજોરીમાં જમા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત સોનું લઈને આવનાર પેસેન્જર પાસેથી પેનલ્ટી પણ 50% થી માંડીને ૨૦૦ ટકા સુધીની વસૂલ કરવામાં આવે છે. આ જ સમયગાળા દરમિયાન સોનાના અનેક પ્રકારના કેસો કરવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના કેસોમાં પેસેન્જર ફાઈન પેનલ્ટી અને ડ્યુટી ભરી દેવા તૈયાર થઈ જતા હોય તેવા કેસમાં સોનું છોડી દેવામાં આવે છે, પરંતુ દાણચોરીના કેસમાં સોનું ક્યારેય પાછું આપવામાં આવતું નથી એપ્રિલ 2024થી માર્ચ 2025 ના સમયગાળામાં 20 જેટલા કેરિયર પકડાયા હતા, જેમાં પાંચ મહિલા પેસેન્જરનો સમાવેશ થાય છે જ્યારે એપ્રિલ 2025થી માર્ચ 2026ના સમયગાળા દરમિયાન 15 જેટલા કેરિયર પકડાયા હતા, તેમાં પણ આઠ મહિલા પેસેન્જરનો સમાવેશ થાય છે આમ મહિલા પેસેન્જરની સંખ્યા સૌથી વધારે છે. ટોચના સૂત્રોએ જણાવ્યું કે વિદેશથી આવતા પેસેન્જર ઉપર નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને ટૂર ઓપરેટરો ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.