Sat Sep 05 2026

Logo

અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ બન્યો ભૂતકાળ, ત્રણ સેકન્ડમાં સ્પાન 3 તોડી પાડવામાં આવ્યાં

2026-07-02 17:14:04
Author: Vimal Prajapati
અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ બન્યો ભૂતકાળ, ત્રણ સેકન્ડમાં સ્પાન 3 તોડી પાડવામાં આવ્યાં

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનેક બ્રિજ આવેલા છે, જેમાંથી કેટલાક બ્રિજનું કામ અત્યારે ચાલી પણ રહ્યું છે. શહેરની શાન સમાન અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ હવે ઇતિહાસ બની ગયો છે. બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરીના ભાગરૂપે ગુરુવારે સાબરમતી નદીના પટમાં આવેલા બ્રિજના ત્રણ મોટા સ્પાનને કંટ્રોલ્ડ પદ્ધતિથી તોડી પાડવામાં આવ્યા છે. હવે તેની જગ્યાએ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવો આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે.

રિપેરિંગનો પ્લાન કેમ પડતો મૂકાયો?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, નવો બ્રિજ આગામી વર્ષે એટલે કે એપ્રિલ અથવા મે 2027 સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવી આશા છે. શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના માત્ર ઉપલા હિસ્સાને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, કામગીરી દરમિયાન જાણવા મળ્યું કે બ્રિજના પિલર (થાંભલાઓ) ને પણ મોટું નુકસાન થયું છે અને તેમાં તિરાડો પડી ગઈ છે.

સલામતીને ધ્યાનમાં રાખીને AMC એ આઈઆઈટી રૂરકી, આઈઆઈટી મુંબઈ અને SVNIT સુરત જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો પાસે બ્રિજનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવ્યું હતું. આ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સે ભલામણ કરી કે જૂના પિલર પર નવો બ્રિજ બનાવવો ભવિષ્ય માટે સુરક્ષિત નથી. લાંબા ગાળાના ટકાઉ ઉકેલ માટે આખો બ્રિજ પિલર સહિત સંપૂર્ણપણે તોડી પાડવો જ હિતાવહ છે. આથી તંત્રએ આખો બ્રિજ ધ્વસ્ત કરવાનો મોટો નિર્ણય લીધો.

સમયમર્યાદા વધીને 16 મહિના થઈ

અગાઉ જ્યારે માત્ર ઉપરના ભાગનું સમારકામ કરવાનું હતું, ત્યારે આ કામ પૂરું કરવા માટે 9 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં આશરે 16 મહિના જેટલો સમય લાગશે. જૂના બ્રિજને તોડવા માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આખી પ્રક્રિયાનું સતત મોનિટરિંગ અને કેમેરા શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નવો આધુનિક બ્રિજ રૂપિયા 235 કરોડના ખર્ચે બનશે.

વધુ જુઓ...