Tue Aug 18 2026

Logo

રાજ્યમાં અઢી વર્ષમાં 3000 ડ્રાઇવિંગ લાઇસન્સ કયા કારણોસર કરાયા સસ્પેન્ડ?

2026-08-13 09:45:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ રાજ્યમાં અઢી વર્ષમાં 3000 ડ્રાઇવિંગ લાઇસન્સ વિવિધ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિક પોલીસની ભલામણના આધારે આરટીઓ દ્વારા અકસ્માતમાં સંકળાયેલા વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા અઢી વર્ષમાં 2976 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જેમાં ગંભીર અકસ્માત ઉપરાંત ઓવરસ્પીડિંગ અને બેદરાકરીપૂર્વક વાહન ચલાવવા મુખ્ય કારણો છે. પોલીસની ભલામણના આધારે આરટીઓ સંબંધિત ડ્રાઇવરોના લાઇસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ કરે છે.

કયા વર્ષે કેટલા લાઇસન્સ કરાયા સસ્પેન્ડ

 સુભાષબ્રિજ RTO ખાતે 2024માં 2,220 ડ્રાઇવિંગ લાઇસન્સ, 2025માં 467 અને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 289 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા,  કુલ મળીને 2,976 ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે જીવલેણ અકસ્માતો સાથે સંકળાયેલા મોટાભાગના કિસ્સાઓમાં ગુનો કરનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

 ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 289 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ વિવિધ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, 2024માં 2,220 વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે, ટ્રાફિક પોલીસે જેમની સામે ત્રણ ટ્રાફિક નિયમભંગના કેસ નોંધાયેલા હતા તેવા વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેના પરિણામે 2024માં 2,220 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.