અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે સામાન્ય જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે. ખાસ કરીને સરખેજ વિસ્તારમાં આવેલું તળાવ ઓવરફ્લો થવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તળાવના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકવા પણ અસમર્થ છે અને વૃદ્ધો તેમજ બાળકોની હાલત કફોડી બની છે.
શહેરમાં ચોમાસાની વિપરિત પરિસ્થિતિ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ ગામ અને તેની આસપાસની સોસાયટીઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ધોધમાર વરસાદ બંધ થયાને બે દિવસ વીતી ગયા હોવા છતાં, બોપલ ગામ તરફની સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ જ્યારે માત્ર વરસાદી પાણી જ નહીં, પરંતુ તેની સાથે ડ્રેનેજ અને ગટરના ગંદા પાણી પણ સીધા લોકોના ઘરોની અંદર ફરી વળ્યા.
ધોળકામાં કૃષ્ણનગર અને શાવલ સોસાયટીમાંથી 126 લોકોનું રેસ્ક્યુ કરાયું
ગુજરાતભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભારેથી અતિભારે વરસાદના કારણે સમગ્ર ધોળકા શહેરમાં પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવા મુશ્કેલીના સમયમાં ભારતીય સેનાના જવાનો પૂરગ્રસ્તો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થયા છે અને પાણીમાં ફસાયેલા અસંખ્ય લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી છે.
સાણંદથી વિરમગામ હાઇવે બંધ
સાણંદથી વિરમગામ તરફ જતા મુખ્ય રસ્તા પર પાણીનો પ્રવાહ ખૂબ વધી જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે જોખમી બન્યો છે. કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે સલામતીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ હાઇવે પર આવતી જતી તમામ અવરજવર બંધ કરી દેવામાં આવી છે.