Sun Sep 13 2026

Logo

મ્યુલ અકાઉન્ટ દ્વારા 42 કરોડની હેરાફેરી કરનારા ત્રણ સામે અમદાવાદમાં ગુનો નોંધાયો

2026-08-03 18:26:00
Author: Pooja Shah
મ્યુલ અકાઉન્ટ દ્વારા 42 કરોડની હેરાફેરી કરનારા ત્રણ સામે અમદાવાદમાં ગુનો નોંધાયો

અમદાવાદઃ શહેરની નવરંગપુરા પોલીસ દ્વારા ત્રણ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ આરોપીઓ દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવાતા બેંક ખાતામાંથી દેશભરમાં નોંધાયેલા સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા રૂ. ૪૧.૭ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.  પોલીસે ઑપરેશન મ્યુલ હેઠળ નિકોલના રહેવાસી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

એફઆઈઆર મુજબ, પોલીસે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ દ્વારા શંકાસ્પદ બેંક ખાતાઓનું વિશ્લેષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે જાણીતી બેંકની નવરંગપુરા શાખામાં ખોલવામાં આવેલા કરન્ટ અકાઉન્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુ સહિત વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 118 સાયબર ક્રાઇમ ફરિયાદોમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર એફઆઈઆરમાં વિજય સોલંકી અને બે અજાણ્યા વ્યક્તિઓના નામ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સોલંકીએ પોલીસને જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે લોન લેવા માંગતો હતો ત્યારે એક પરિચિતે તેને બંને સાથે પરિચય કરાવ્યો હતો. ત્રણેય કથિત રીતે તેને બેંકમાં લઈ ગયા હતા, એક ટ્રેડિંગ ફર્મના નામે ખાતું ખોલાવ્યું હતું અને ચેક બુક, એટીએમકાર્ડ, પાસબુક અને ઇન્ટરનેટ બેંકિંગ ઓળખપત્રો રાખ્યા હતા, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.