Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં સિઝનનો 100 ટકા વરસાદ, જાણો કયા વિસ્તામાં પડ્યો સૌથી વધુ

2026-09-21 09:43:00
Author: Mayur Patel
અમદાવાદમાં સિઝનનો 100 ટકા વરસાદ, જાણો કયા વિસ્તામાં પડ્યો સૌથી વધુ

અમદાવાદઃ શહેરમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ જમાવટ કરી છે. જેના પરિણામે અમદાવાદ શહેરમાં ચાલુ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. શહેરના સરખેજમાં સૌથી વધુ 48.80 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ કરતાં પશ્ચિમના વિસ્તારોમાં 9 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે.

મળતી વિગત પ્રમાણે, શહેરમાં સામાન્ય રીતે 35 ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે શહેરમાં કુલ 35.60 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. એટલે કે સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો છે. ચોમાસાની સિઝનના માત્ર 26 દિવસમાં જ આટલો વરસાદ નોંધાયો છે. જોકે કુલ વરસાદમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો.  પૂર્વ કરતાં પશ્ચિમના વિસ્તારોમાં 9 ઇંચ વધુ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં સરખેજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સરખેજમાં 48.80 ઇંચ, બાકરોલમાં 48.39 ઇંચ, બોડકદેવમાં 43.09 ઇંચ, બોપલમાં 45.87 ઇંચ, જોધપુરમાં 41.63 ઇંચ, મક્તમપુરામાં 41.24 ઇંચ, થલતેજમાં 41.95 ઇંચ, સાયન્સ સિટીમાં 41.40 ઇંચ, મેમનગરમાં 39.92 ઇંચ, ચાંદલોડિયામાં 38.03 ઇંચ, ગોતામાં 37.11 ઇંચ, ઓગણજમાં 36.67 ઇંચ, વાસણમાં 40.74 ઇંચ, રાણીપમાં 38.56 ઇંચ, નવરંગપુરામાં 38.41 ઇંચ, પાલડીમાં 37.74 ઇંચ,  મોટેરામા 36.42 ઇંચ, ઉસ્માનપુરામાં 34.63 ઇંચ, ચાંદખેડામાં 34.04 ઇંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં ભેજનું પ્રમાણ વધુ

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ચોમાસાના અંતિમ દિવસોમાં ગુજરાતને અસર કરનારી લૉ પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી મધ્ય ભારત તરફ ખસી રહી છે. આ સિસ્ટમ સાથે જોડાયેલો મોન્સૂન ટ્રફ હજુ સક્રિય છે. જેના કારણે અમાદાવ સહિત રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. બપોરે સૂર્યપ્રકાશ, ગરમી અને વાતાવરણમાં રહેલા ભેજના કારણે સ્થાનિક કન્વેક્શન એટલે કે ઊંચાઈ તરફ ભેજવાળી હવા ઝડપથી ઉઠતાં વાદળ રચાય છે અને ઝાપટાં પડે છે.