અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે માટે શહેરના અતિ વ્યસ્ત અંદાજે 290 ટ્રાફિક સિગ્નલો પૈકી 140 જેટલા દૂર કરવામાં આવશે. આ ઉપરાંત યુ ટર્ન લેવા માટે સિગ્નલથી 150 મીટર દૂર ખાસ કટ બનાવવામાં આવશે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ પ્રયોગ સફળ પણ રહ્યો છે. આ કવાયતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને શહેર ટ્રાફિક પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. અધિકરીઓ તેને કામચલાઉ સુધારો નહીં પણ માળખાગત સુધારો ગણાવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલી પહેલને સકારાત્મક પરિણામ મળ્યા છે. સિગ્નલ હટાવવાથી વાહનો કોઈપણ જાતના અવરોધ વગર પસાર થઈ રહ્યા છે.
પૂર્વમાં પાયલોટ પ્રોજેક્ટ સફળ, હવે પશ્ચિમ પર ધ્યાન
પૂર્વ અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઓછામાં ઓછા પાંચ સિગ્નલ હટાવવામાં આવ્યા છે. જેના કારણે પીરાણા જંકશન, કોઝી હોટલ જંકશન, નારોલ સર્કલ, ગરીબનગર, હાટકેશ્વરમાં સ્વસ્તિક ક્રોસ રોડ, ખોડિયારનગર, SP રિંગ રોડ પર અદાણી જંકશન અને ડફનાળા જંકશન જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ સુધરી છે.
હવે પશ્ચિમ અમદાવાદના લગભગ 40 જંકશનો પર કામ ચાલી રહ્યું છે. જેમાં ખાસ કરીને અંડરપાસમાંથી બહાર નીકળતા વાહનોને નજીકના સિગ્નલ પર ઉભા રહેવું પડે છે ત્યાં વધુ ધ્યાન આપવામાં આવશે. આ યાદીમાં SP રિંગ રોડ પર ઓગણજ જંકશન, અખબારનગર સર્કલ, SG હાઈવે પર છારોડી પાટિયા કટ, દેવનગર પાટિયા કટ, અતિથિ કટ અને સનાથલ કટનો સમાવેશ થાય છે.
અમદાવાદના સૌથી વધુ ભીડભાડ વાળા 6 જંકશન પર ફ્લાયઓવરને પ્રાથમિકતા
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સર્વે મુજબ, શહેરના 25 જંકશનોમાંથી સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 6 જંકશન પર ફ્લાયઓવર બનાવવાની યોજના છે. જેમાં મેમ્કો જંકશન (સૌથી વધુ ભીડ), વિક્ટોરિયા ગાર્ડન જંકશન (એલિસબ્રિજ), શ્યામલ જંકશન (સેટેલાઇટ),
ઈન્દિરા બ્રિજ/એરપોર્ટ રોડ T-જંકશન, દિલ્હી દરવાજા જંકશન તથા ભક્તિ સર્કલ (નિકોલ SP રિંગ રોડ, રામોલ-હાથીજણ)નો સમાવેશ થાય છે.
AMC આગામી 10 વર્ષમાં તમામ 25 જંકશનો પર ફ્લાયઓવર બનાવવાનું આયોજન ધરાવે છે. બીજા તબક્કામાં રબારી કોલોની, માનસી ક્રોસ રોડ, શિવરંજની, પાલડી અને જશોદાનગર જેવા 12 વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
ભવિષ્યનું શું છે લક્ષ્ય
અધિકારીઓનું લક્ષ્ય માત્ર સિગ્નલ ઘટાડવાનું જ નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે એન્જિનિયરિંગ કરેલા એવા જંકશન બનાવવાનું છે જ્યાં ટ્રાફિકની ગતિ જળવાઈ રહે. આ માટે ઈન્ટેલિજન્ટ સિગ્નલ કોઓર્ડિનેશન અને અંડરપાસ-લિંક્ડ મોડલ્સનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશ્વની નજર આપણા પર હશે. આપણે સાબિત કરવાનું છે કે અમદાવાદ ટ્રાફિક મેનેજમેન્ટની દ્રષ્ટિએ સક્ષમ શહેર છે. હાલમાં શહેરમાં કુલ 101 ફ્લાયઓવર અને અંડરપાસ છે, અને વડાજ સહિત અન્ય 5 જંકશનો પર કામ ચાલુ છે.