Tue Sep 15 2026

Logo

અમદાવાદમાં જૂની અદાવતમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

2026-07-25 16:23:16
Author: Devayat Khatana
અમદાવાદમાં જૂની અદાવતમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ફતેવાડી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં યુવકની પત્ની તેના જ મિત્ર સાથે ભાગી ગયા બાદ બંને વચ્ચે સર્જાયેલી દુશ્મનીના પગલે પત્નીના પ્રેમીએ પતિ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં યુવકને ગોળી વાગતા તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેજલપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, ફતેવાડીમાં રહેતો જાવેદખાન પઠાણ વર્ષ 2017માં પાસાની સજા હેઠળ સેન્ટ્રલ જેલમાં હતો, તે દરમિયાન તેની પત્ની જાવેદના જ મિત્ર મુજાહિદ્દ સાકીરઅલી નાઈ સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાને લઈને બંને મિત્રો વચ્ચે અદાવત ઊભી થઈ હતી. જાવેદે મુજાહિદ્દના સાળા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં સમાધાન કરવાની વાત થઈ હતી, પરંતુ જાવેદે સમાધાન કરવાનો ઈન્કાર કરતાં મુજાહિદ્દે તેના વાહનને નુકસાન પહોંચાડી ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ મુજાહિદ્દ પોતાના સાથીઓ પહોંચીને જાવેદ પર બંદૂક તાકી  હાથ પર ગોળી મારી હતી. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત જાવેદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોલીસને ઘટનાની વિગતવાર જાણકારી આપી હતી.  વેજલપુર પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય સામેલ શખસોને ઝડપી પાડવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
.