Mon Sep 07 2026

Logo

અમદાવાદ જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26માં કેટલા દસ્તાવેજની નોંધણી થઈ?

2026-03-13 13:16:00
Author: Mayur Patel
અમદાવાદ જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26માં કેટલા દસ્તાવેજની નોંધણી થઈ?

અમદાવાદઃ ગુજરાતમાં મિલકત કે જમીનના વેચાણ/ખરીદીના ₹100 થી વધુ મૂલ્યના દસ્તાવેજોની રજીસ્ટ્રેશન એક્ટ 1908 મુજબ નોંધણી કરાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા GARVI 2.0 પોર્ટલ દ્વારા ઓનલાઇન અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ઓફલાઇન થાય છે. ગુજરાત વિધાનસભામાં અમદાવાદ જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26માં કેટલા દસ્તાવેજની નોંધણી થઈ તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો.

કોણે પૂછ્યો સવાલ
અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2025-26માં અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા દસ્તાવેજની નોંધણી થઈ છે, તે પૈકી મહિલા સશક્તિકરણ અન્વયે મહિલાઓ દ્વારા ખરીદાયેલી મિલકતના કેટલા દસ્તાવેજોની નોંધણી થઈ છે અને મહિલાઓ દ્વારા ખરીદાયેલી કુલ મિલકતના દસ્તાવેજોમાં કેટલી નોંધણી ફી માફી આપવામાં આવી છે.

તેમના પ્રશ્નનો ઉત્તર આપતાં સરકારે જણાવ્યું, કુલ 2,77,381 નોંધણી થઈ છે. જેમાંથી 29,355 દસ્તાવેજોની નોંધણી મહિલાઓના નામે થ છે. મહિલાઓ દ્વારા ખરીદાયેલી કુલ મિલકતના દસ્તાવેજોમાં કુલ રૂ,81,77,72,850 ની નોંધણી ફી માફી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે લીધેલા તાજેતરના નિર્ણય મુજબ, હવેથી રાજ્યમાં થતી દરેક 'ઈ નોંધણી' માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવવી પડશે. આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજ દીઠ ₹100 ની 'પ્રોસેસિંગ ફી' નક્કી કરવામાં આવી છે, જેનો અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો હતો.