અમદાવાદથી ધોલેરા હવે માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાશે: રૂ. 20,667 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી
(આપણા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ સમિતિએ અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અંદાજે રૂપિયા 20,667 કરોડના ખર્ચે સાકાર થનારો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. તેનાથી આસપાસના અંદાજે 284 ગામ અને 5 લાખની વસ્તીને સીધો લાભ થશે.
રોજગારી અને સ્વ-રોજગારીની નવી તકો સર્જાશે
સ્થાનિક સ્તરે રોજગારી અને સ્વ-રોજગારીની નવી તકો ઊભી થશે, જે પ્રદેશના લોકોને 'આત્મનિર્ભર' બનાવવામાં મદદ કરશે. રેલવે પરિવહન એ પર્યાવરણને અનુકૂળ મોડ હોવાથી આ પ્રોજેક્ટથી દેશના ક્લાઈમેટ લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ મળશે, તેમ નિષ્ણાતો જણાવે છે. ગુજરાતના અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિલોમીટરનો ઉમેરો કરશે.
અમદાવાદ-ધોલેરા સેમિ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી | DholeraSIR | IndianRailways #dholerasir #ahmedabad #SemiHighSpeedRail #gujaratdevelopment #AshwiniVaishnaw #cabinetdecisions #SemiconductorIndia #IndianRailways #GujaratNews #DholeraExpress pic.twitter.com/F6nhgaYNTg
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 13, 2026
દેશના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે
પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ તરીકે, રેલવે આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે, તેલની આયાતમાં 4.8 મિલિયન લિટર ઘટાડો કરશે અને CO2 ઉત્સર્જનમાં 20 મિલિયન કિલોગ્રામ ઘટાડો કરશે - જે દસ લાખ વૃક્ષો વાવવા સમાન માની શકાય. આ પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા, ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરીનો સમય ઘટશે જેનાથી રોજિંદી મુસાફરીમાં આરામદાયક વધારો થશે અને તે જ દિવસે પરત ફરવાનો વિકલ્પ પણ મળી રહશે, તેમ પણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરતો અને સ્વદેશી ટેકનોલોજી પર આધારિત ભારતીય રેલ્વેનો આ પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા SIR, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડનારો બહુ આયામી પ્રોજેક્ટ બનશે.
આ પ્રોજેક્ટ અંગે ગુજરાત સરકારે મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળવો એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. વડા પ્રધાનના વિઝનથી શરૂ થનારો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે.
આ પ્રોજેક્ટ દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે, સેમી હાઈસ્પીડ રેલના તબક્કાવાર વિસ્તરણ માટે સંદર્ભ મોડેલ તરીકે કામ કરતા અગ્રણી પ્રોજેક્ટ તરીકે સેવા આપશે.