અમદાવાદઃ શહેરની પોલીસ વર્ષો કે દાયકાઓ પહેલા બનેલી હત્યાના બનાવોનો પર્દાફાશ કરી રહી છે ત્યારે ફરી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક મહિના પહેલા બનેલી અકસ્માતની ઘટના હત્યા હોવાનું બહાર આવતા પોલીસે હવે તેનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
આ હત્યામાં પરિવારના લોકો અને જમાઈ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ઘરનો 32 વર્ષનો દીકરો ખોટી લતે ચડી ગયો હતો અને રોજ માટે ઘરમાં ઝગડા થતા હતા. તે પૈસા માગતો અને ન આપે તો માતા-પિતાને પણ હેરાન કરતો હતો. ઘટનાના દિવસે જમાઈ ઘરે આવ્યો હતો અને ઘરમાં ફરી પૈસાના મામલે ઝગડો થયો હતો અને વાત મારામારીએ પહોંચી ગઈ હતી. આ કથિત ઝપાઝપીમાં ઘરના લોકોએ મૃતકને મારી નાખ્યો હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પરિવારે મૃતક ઘરની સીડી પરથી પડી ગયો અને મૃત્યુ પામ્યો તેવી વાર્તા બનાવી મૃતકની દફનવિધિ પણ કરી નાખી હતી. જોકે ખૂબ જ ઉતાવળમાં બનેલી આ ઘટનાએ શંકા જગાવી હતી અને એક સિનિયર પોલીસ અધિકારીએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. આ માટે જમાઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પહેલા તો તેણે સીડી પરથી પડી જવાની વાતનું જ રટણ કર્યું હતું, પરંતુ પછીથી તે ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા થઈ ગયાની કબૂલાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હવે આ કેસ દાણીલીમડા પોલીસ સંભાળી રહી છે અને મૃતદેહને બહાર કાઢી તેનું પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી હત્યા અને તેની આસપાસની ઘટનાઓનો ચોક્કસ રિપોર્ટ મળી શકે.