અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે ગત રાત્રે એક કારમાંથી કરોડો રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી હતી. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
સુરતમાં પારડી ગામે સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટો છપાતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અહીં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. ઉપરાંત નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
હાલ પોલીસ આ નકલી નોટના તાર કોની સાથે જોડાયેલા છે, અગાઉ કેટલી નોટો બજારમાં ફરતી કરી તેની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલા આરોપીઓ નકલી નોટોને બજારમાં ફરતી કરવા એક સ્કીમ રાખી હતી. જે મુજબ એક ઓરીનજલ 500 રૂપિયાની નોટના બદલે 500 રૂપિયાની ત્રણ ડુપ્લીકેટ નોટ પધરાવવામાં આવતી હતી.પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
કેવી રીતે પકડાયું આખું કૌભાંડ
બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી એક મહિલા સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચને કારમાંથી 500 ના દરની અંદાજે 2 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવી હતી.
પ્રદીપ ગુરુજી રાજકોટમાં ચલાવતો હતો યોગ ક્લાસ
કામરેજના ધોરણ પારડીના તાપી કિનારે સદગુરૂ પ્રદીપનો ભવ્ય આશ્રમ આવેલો છે. તપાસમાં મોટો ખુલાસો એ છે કે, સત્યમ યોગ ફાઉન્ડેશન સદગુરુ પ્રદીપજી નામે યુવક ચલાવે છે. તે પ્રદીપ ગુરુજી તરીકે ફેમસ છે. અગાઉ તે રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો.