આજના સમયમાં જ્યારે કોર્પોરેટ જગત માત્ર ડિગ્રી અને સતત કામના અનુભવને મહત્વ આપે છે, ત્યારે ગુજરાતના અમદાવાદના એક સીઈઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 'શાર્પ એન્ડ સેન્સિબલ' (Sharp & Sensible) કંપનીના ફાઉન્ડર અને સીઈઓ સ્મિત ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક મજેદાર કિસ્સો શેર કર્યો છે, જે અત્યારે ઈન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીના સીઈઓ સ્મિત ભટ્ટે તાજેતરમાં જ એક મહિલા ઉમેદવારનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ મહિલાના કરિયરમાં લાંબો ગેપ હતો, જે સામાન્ય રીતે કોઈપણ કંપની માટે રિજેક્શનનું કારણ બની શકે છે. પરંતુ જ્યારે સ્મિતે આ ગેપનું કારણ પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે મહિલાએ તેના પરિવારની સંભાળ રાખવા અને વ્યક્તિગત જવાબદારીઓને કારણે બ્રેક લીધો હતો.
સ્મિતે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે એ મહિલાને માત્ર તેના સ્કિલ સેટના આધારે જ નહીં, પણ તેની સચ્ચાઈ અને શીખવાની ધગશ જોઈને નોકરી પર રાખી છે. સ્મિતના જણાવ્યા અનુસાર કરિયર ગેપનો અર્થ એ નથી કે વ્યક્તિની પ્રતિભા ખતમ થઈ ગઈ છે. જીવનની જવાબદારીઓ નિભાવવી એ કોઈ નબળાઈ નહીં પણ સ્ટ્રેન્થ છે. જો કોઈ વ્યક્તિ ઘરે રહીને પરિવાર મેનેજ કરી શકે છે, તો તે ઓફિસમાં મલ્ટી-ટાસ્કિંગ પણ સારી રીતે કરી જ શકે છે.
સ્મિત ભટ્ટની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હજારો લોકોએ તેને લાઈક અને શેર કરી છે. એમાં પણ સ્મિતનું આ પગલું ખાસ કરીને એવી મહિલાઓ જેઓ લગ્ન કે બાળકો બાદ ફરીથી કરિયર શરૂ કરવા માંગે છે, તેમના માટે આ કિસ્સો આશાનું કિરણ બન્યો છે. લોકો સ્મિતના આ સંવેદનશીલ અભિગમના વખાણ કરી રહ્યા છે અને અન્ય કંપનીઓને પણ આવું શીખવા સલાહ આપી રહ્યા છે.