Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક વિસ્તારોમાં અસર દેખાઈ

2026-08-05 19:03:27
Author: Pooja Shah
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક વિસ્તારોમાં અસર દેખાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
સીએનજીના વધી રહેલા ભાવની વિરુદ્ધમાં અને અને રિક્ષાભાડામાં ભાવવધારાની માગણી સાથે અમદાવાદમાં 5 ઑગસ્ટથી બે દિવસ રિક્ષાચાલકોએ હડતાળ જાહેર કરી હતી, પરંતુ બુધવારે ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. અમુક વિસ્તારોને બાદ કરતા રિક્ષાચલકોએ કામ ચાલુ રાખ્યું હોવાનું જણાઈ રહ્યું હતું. 

શહેરમાં પ્રગતિ રિક્ષાચાલક યુનિયને હડતાળનું એલાન કર્યું હતું. પૂર્વીય અને પશ્ચિમ વિસ્તારોમાં લગભગ રાબેતામુજબ રિક્ષાચાલકોએ મુસાફરોની ફેરી કરી હતી. અન્ય યુનિયનોએ હડતાળને સમર્તન આપ્યું ન હોય તેમ જણાઈ રહ્યું હતું. વસ્ત્રાપુર ફાટક જેવા અમુક વિસ્તારોમાં રિક્ષાની હડતાળની અસર જણાતી હતી.

સવારે અમુક સમય માટે રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાચાલકોને પણ ફેરી ન કરવા જણાવ્યું હતું. આને કારણે અમુક મુસાફરો હેરાન થયા હતા. રિક્ષાચાલકોએ સીએનજીના ભાવવધારાને અનુલક્ષીને કરવામાં આવેલી માગણીઓ ન સંતોષાય તો વધારે ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી હતી. 

શહેરમાં વારંવાર સીએનજી ભાવ વધારાને કારણે ઓટો ડ્રાઇવરો ગંભીર નાણાકીય મુશ્કેલીની ફરિયાદો કરે છે. અગાઉ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથેની બેઠક બાદ રિક્ષા ભાડામાં સુધારો મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં, રાજ્ય સરકારે હજુ સુધી સત્તાવાર સૂચના જારી કરી નથી. આથી તેમને મોંઘુ સીએનજી ખરીદવું પડે છે, પરંતુ તેઓ ગ્રાહકો પાસેથી વધુ ભાડું વસૂલી શકતા નથી, તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે.