Sun Jul 26 2026

Logo

આગ્રામાં પત્નીએ કરી પતિની હત્યાર!, 14 કલાકની પુછપરછ બાદ જણાવી હકીકત...

2026-07-05 11:42:00
Author: Vimal Prajapati
Article Image

આગ્રાઃ આગ્રાના સિકંદરા વિસ્તારના દહોરાની રેણુકા ધામ કોલોનીમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. એક પત્નીએ પોતાના શરાબી પતિની હત્યા કર્યા બાદ તેની લાશને પોતાના જ ઘરના બાથરૂમમાં દાટી દીધી હતી અને પુરાવા મિટાવવા માટે તેના પર પાકું ફ્લોરિંગ કરાવી દીધું હતું. 45 દિવસ સુધી આ રાજ છુપાયેલું રહ્યું હતું, પરંતુ અંતે પોલીસે પત્નીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

મૂળ ભરતપુરના રહેવાસી 44 વર્ષીય સુરેન્દ્ર શર્મા પોતાના પરિવાર સાથે આગરામાં રહેતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સુરેન્દ્ર શર્મા દારૂ પીને રોજ પત્ની રૂબી સાથે મારપીટ કરતા હતા. પત્ની રૂબી આ ત્રાસથી કંટાળી ગઈ હતી અને તેણે પોતાના પતિને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. 

કઈ રીતે પ્લાન બનાવ્યો? પત્નીએ જણાવી હકીકત...

તારીખ 17 મેની રાત્રે રૂબીએ પતિની ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. સવારે જ્યારે તે ઉઠી ત્યારે પતિના શરીરમાં કોઈ હલચલ નહોતી અને તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. રૂબીએ ખૂબ જ ઠંડા કલેજે આખા ઘરના લોકોને બાજુ પર ખસેડીને આ ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ પૂછપરછમાં રૂબીએ કરેલી કબૂલાત સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પીલીસના જણાવ્યાં પ્રમાણે રૂબીએ પોતાના બાળકોને સાસુ પાસે મોકલી દીધા અને જેઠને પણ ઘરથી દૂર રાખ્યા. બાદમાં તેણે એકલીએ બાથરૂમ ખોદ્યું અને પતિની લાશ ત્યાં દાટી દીધી હતી. ત્યારબાદ કોલોનીના એક વ્યક્તિ પાસેથી 600 રૂપિયામાં માટી મંગાવી અને લાશ પર પાથરી દીધી અને ગિટ્ટી, રેતી અને સિમેન્ટ મંગાવીને પોતે જ લેવલ કર્યું હતું.

આ બધું કર્યા બાદ એક રાજમિસ્તરીને ફોન કરીને બાથરૂમમાં પાકું ફ્લોરિંગ કરવાનું કહ્યું. મિસ્તરીને જરાય ખ્યાલ નહોતો કે નીચે શું દટાયેલું છે? કામ પૂરું થયા બાદ રૂબીએ તેને 500 રૂપિયા આપીને જતા કર્યો હતો. પોલીસે 14 કલાક સુધી રૂબીની સઘન પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તે સતત પોતાના નિવેદનો બદલી રહી હતી. પોલીસની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી અને ખોદકામ કર્યું ત્યારે કંકાલ મળી આવતા જ રૂબીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું.  મૃતદેહનું DNA સેમ્પલ લેવામાં આવ્યું છે અને મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

પોલીસે તપાસ દરમિયાન રાજમિસ્તરી અને મજૂરની પણ પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ નિર્દોષ જણાતા તેમને છોડી દેવામાં આવ્યા છે. હાલમાં રૂબી જેલમાં છે અને તે આ કૃત્ય બદલ રાતભર આત્મગ્લાનિમાં રડતી જોવા મળી હતી. પરંતુ હવે તેને જેલમાં જ રહેવું પડશે.