Mon Jul 27 2026

Logo

આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર ડમ્પર પાછળ ડબલ ડેકર બસ ઘૂસી જતાં ભીષણ આગ, ચાલક અને કંડક્ટરનું દર્દનાક મોત

2026-05-22 09:27:00
Author: Vimal Prajapati
Article Image

ફિરોઝાબાદ: આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર ગુરુવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. કાનપુરથી મુસાફરો ભરીને ગુડગાંવ જઈ રહેલી એક ખાનગી ડબલ ડેકર બસ આગળ ચાલી રહેલા રેતીથી ભરેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટના કારણે બસમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં બસના ચાલક અને કંડક્ટર બંનેના મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં કે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

મધ્યરાત્રિએ ચીસાચીસથી ગુંજી ઉઠ્યો એક્સપ્રેસ-વે

પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં આશરે 40થી વધુ મુસાફરો સવાર હતા અને મોટાભાગના લોકો ઊંઘમાં હતા. રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ એક્સપ્રેસ-વે પર નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી આગળ મટસેના ક્ષેત્રના કિલોમીટર સંખ્યા 45 પાસે આ અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલી રહેલું રેતી ભરેલું ડમ્પર અચાનક અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયું હતું. બરાબર તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ડબલ ડેકર બસ બ્રેક મારે તે પહેલાં જ ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. 

બસમાં આગ લાગી હોવાથી ચીસાચીસ મચી ગઈ

અકસ્માત થતાં જ બસમાં આગ લાગી ગઈ હતી અને મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બસની બારીઓ તોડીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા માટે ફિરોઝાબાદથી 2, ટૂંડલાથી 1, શિકોહાબાદથી 1, સિરસાજંજ અને જસરાનાથી 1-1 મળીને કુલ 6 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવી પડી હતી. 

ફાયર વિભાગની ટીમોએ સતત ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બસચાલકનું આગમાં જ હોમાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં મેડિકલ કોલેજ ખસેડાયેલા કંડક્ટર સુંદરલાલ (રહે. જાલોન)નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ મુસાફરોને નજીકની સંયુક્ત હોસ્પિટલ અને ફિરોઝાબાદ મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 20 વર્ષીય નીલમ, 30 વર્ષીય રંગોલી દેવી, 23 વર્ષીય શિવમ, 35 વર્ષીય સત્યમ, 45 વર્ષીય શાંતિ દેવી અને તેમનો 16 વર્ષીય પુત્ર સત્યભાન, 40 વર્ષીય મુકેશ કુમાર, 23 વર્ષીય આસ્થા, 62 વર્ષીય માયા દેવી, 12 વર્ષીય વેદ અને 9 વર્ષીય મન્નત, 35 વર્ષીય પૂજા, 56 વર્ષીય માયા દેવી અને 25 વર્ષીય પપ્પુ આ અકસ્માતમાં ઘાયલ થયાં છે. આ સાથે દુઃખની વાત એ છે કે, બસ ચાલક સાથે મેડિકલ કોલેજ ફિરોઝાબાદ મુકેલા કંડક્ટરનું મોત થયું છે.