Mon Oct 05 2026

Logo

CGST બાદ હવે SGST પણ નોટિસ: માઇનિંગ રોયલ્ટી પર 18 ટકા GST મુદ્દે કચ્છના વેપારીઓમાં ભારે મૂંઝવણ

2026-08-10 13:42:00
Author: Mumbai Samachar Team
CGST બાદ હવે SGST પણ નોટિસ: માઇનિંગ રોયલ્ટી પર 18 ટકા GST મુદ્દે કચ્છના વેપારીઓમાં ભારે મૂંઝવણ

ભુજ: કચ્છમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા રેતી, કાંકરી, ચાઇના ક્લે અને બેન્ટોનાઇટ જેવા ખનિજોના ખનન બદલ ચૂકવાતી માઇનિંગ રોયલ્ટી પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ૧૮ ટકા જીએસટી  ન ભરવા બદલ ટેક્સ વિભાગે લીઝધારકો અને વેપારીઓને કારણ દર્શાવક નોટિસો ફટકારવાનું શરૂ કરતાં ભારે ખળભળાટ મચ્યો છે.

સીજીએસટી વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપ્યા બાદ પણ ડેટાના અભાવે ફરીથી સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ એસજીએસટી વિભાગે પણ તે જ સમયગાળાની નોટિસો બજાવવાની શરૂઆત કરી દીધી છે. નામદાર સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૨૪ના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે,"રોયલ્ટી એ ટેક્સ નથી પરંતુ 'કન્સિડરેશન' છે." આ ચુકાદા બાદ ટેક્સ વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮થી બાકી નીકળતી રકમ પર વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ મુદ્દે ભુજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જલ્પાબેન સોમૈયાના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના ૨૦૨૪ના નિર્ણય અગાઉ વેપારીઓ સામે તથ્યો છુપાવવાનો કે ફ્રોડનો આરોપ મૂકીને કલમ ૭૪ લાગુ કરવી તદ્દન અયોગ્ય છે.  સરકારી સર્ક્યુલર મુજબ 'ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન' પર જીએસટી લાગતો ન હોવા છતાં, કેટલીક નોટિસોમાં તેની પણ માંગણી કરવામાં આવી છે.

રૂપિયા ૨૦ થી ૪૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા ધંધાર્થીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ પડતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હવે આ બાબતે આખરી સ્પષ્ટતા અપીલ ઓથોરિટી કે અદાલતોના આગામી નિર્ણયોથી જ થઈ શકશે.

(ઉત્સવ વૈદ્ય)