ભુજ: પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં ગત 21 માર્ચની વહેલી પરોઢે એક રહેણાક મકાનમાં ગેસ લીકેજના કારણે ફાટી નીકળેલી ભીષણ આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રી બંનેના સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે. શનિવારે મધરાત્રે યુવાન પુત્રીએ અંતિમ શ્વાસ લીધા બાદ આજે સવારે વૃદ્ધ પિતાનું પણ અવસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ભીષણ આગમાં ગંભીર રીતે દાઝ્યા હતા પિતા-પુત્રી
મળતી વિગતો પ્રમાણે આદિપુર ખાતે રહેતા 77 વર્ષીય કાન્તિલાલ કરસન ઉમરાણિયા અને તેમની 38 વર્ષીય પુત્રી નિકિતાબેન ગત 21 માર્ચની સવારે પોતાના ઘરે ગાઢ નિદ્રામાં હતા. તે દરમિયાન સંભવતઃ એલપીજી ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે પિતા-પુત્રીને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.
આજે કાંતિલાલે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા
ઘટના બાદ બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ, શનિવારે મધરાત્રે પુત્રી નિકિતાએ છેલ્લા શ્વાસ લીધા હતા જયારે બીજા દિવસે સવારે પિતા કાંતિલાલે પણ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. આદિપુર પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.