અમદાવાદઃ રાજ્યમાં એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરીમાં કલાસ-2 સ્ટેટ ટેક્ષ ઓફિસર અને ક્લાસ-3 રાજય વેરા નિરીક્ષક રૂ. 25 હજારની લાંચ લેતા એસીબીની છટકામાં સપડાયા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ‘યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી’ નામે એર કોમ્પ્રેસરનું સેલ્સ અને સર્વિસિંગનું કામકાજ કરતા એક વેપારી નિયમિતપણે પોતાનું ત્રિમાસિક GST રિટર્ન ફાઈલ કરતા હતા. જોકે, વ્યવસાયમાં મંદીના કારણે તેઓ એપ્રિલ-2026 થી જૂન-2026 સુધીનું ત્રિમાસિક રિટર્ન ભરી શક્યા નહોતા અને ટેક્સના નાણાં પણ જમા કરાવી શક્યા નહોતા.
સહાયક રાજ્યવેરા કમિશ્નરશ્રીની કચેરી, ઘટક-૬, અમદાવાદ ખાતે ફરજ બજાવતા (૧) સ્ટેટ ટેક્ષ ઓફીસર કમલેશકુમાર બાબુજી ઠાકોર (વર્ગ-૨) (૨) રાજયવેરા નિરીક્ષક મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી રૂા.૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani@InfoGujarat @HARESHM38109376 pic.twitter.com/yeRl1b0enP
— ACB Gujarat (@ACBGujarat) August 14, 2026
આ કારણોસર લાલ દરવાજા ખાતે આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-૬ દ્વારા કાર્યવાહી કરીને વેપારીના કંપની ખાતા સહિત સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. પોતાના બેન્ક ખાતા ફ્રીઝ થઈ જતાં વેપારી સંબંધિત કચેરીએ પહોંચ્યા હતા અને ખાતા અનફ્રીઝ કરવા રજૂઆત કરી હતી. આ દરમિયાન કચેરીના કર્મચારી મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી (રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3), એ કમલેશકુમાર બાબુજી ઠાકોર (સ્ટેટ ટેક્ષ ઓફિસર, વર્ગ-2,) સાથે વાતચીત કરી વેપારી પાસે એકાઉન્ટ ફરી અનફ્રીઝ કરી આપવાના અવેજ પેટે રૂ. 25,000ની લાંચની માંગણી કરી હતી.
વેપારી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી રૂ. 25,000ની લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપી કર્મચારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરવા બદલ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસીબીની કાર્યવાહીથી લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પહેલા આજે એસીબીએ અમદાવાના દેત્રોજ તાલુકાના ચુવાળ ડાંગરવા ગામે તલાટી મંત્રી વતી વહીવટ કરતાં પટ્ટાવાળાને રૂ. 2500ની લાંચ લેતા ઝડપ્યો હતો.