Sat May 02 2026

Logo

શૈક્ષણિક કાર્યને મળશે વેગ: કચ્છ યુનિવર્સિટીમાં ૧૬ વિભાગોમાં ૩૨ કાયમી પ્રોફેસરોની થશે ભરતી

2026-03-30 12:30:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભુજ-મુંદરા રોડ પર આવેલી ક્રાંતિગુરુ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં પ્રથમવાર એકસાથે ૩૨ જેટલા કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી તેમને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા છે. લાંબા સમયની પ્રતિક્ષા બાદ કચ્છ યુનિવર્સિટીને મળેલા આ નવા શૈક્ષણિક ભાથિથી શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અને અધ્યાપકોની ઘટને કારણે ઊભા થતા પ્રશ્નો કાયમી ધોરણે ઉકેલાવાની આશા જાગી છે.

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ગત તા. ૨૧મી માર્ચથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. દરરોજ બે થી ત્રણ વિષયોના ઇન્ટરવ્યૂ યોજીને ગત તા. ૨૮મી માર્ચના રોજ આ લાંબી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થઈ હતી. 'બોર્ડ ઓફ મેનેજમેન્ટ'ની મહત્વપૂર્ણ બેઠકમાં પસંદગી સમિતિ દ્વારા સોંપવામાં આવેલા સીલબંધ કવરો તમામ સભ્યોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. જેમાં મેરિટના આધારે પસંદ થયેલા ૩૨ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવતાની સાથે જ તેમને નિયુક્તિપત્રો એનાયત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ભરતીના ગણિત અંગે મળતી સત્તાવાર વિગતો મુજબ, યુનિવર્સિટીએ કુલ ૩૮ શૈક્ષણિક જગ્યાઓ માટે જાહેરખબર પ્રસિદ્ધ કરી હતી. જોકે, તે પૈકી ૪ જગ્યાઓ માટે એકપણ લાયક ઉમેદવારની અરજી મળી નહોતી, જ્યારે અન્ય ૨ જગ્યાઓ પર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરિણામે, બાકી રહેલી ૩૨ જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની કાયમી નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટી સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સમગ્ર પસંદગી પ્રક્રિયા રાજ્ય સરકારના નિર્ધારિત ધારાધોરણો અને ચુસ્ત મેરિટ પદ્ધતિને અનુસરીને અત્યંત પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક ભરતીની સમાંતર બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પણ વેગવંતી બની છે. પ્રથમ તબક્કાની કસોટી પૂર્ણ થયા બાદ હવે પસંદગી પામેલા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. એકસાથે આટલી મોટી સંખ્યામાં કાયમી અધ્યાપકોની નિમણૂક થતા યુનિવર્સિટીના શૈક્ષણિક આલમમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)