Wed Jul 29 2026

Logo

અજબ ગજબની દુનિયા : ઈર્ષ્યાની આગમાં વીસ વર્ષના અબોલડા

2026-07-29 09:11:00
Author: Henry Shastri
Article Image

હેન્રી શાસ્ત્રી  

ઈર્ષ્યાની આગમાં વીસ વર્ષના અબોલડા

‘મારી સાથે તો તું વાત જ નહીં કરતી’ અથવા ’જાવ, તમારી સાથે કોણ બોલે?’ જેવા કડવા - મીઠા ઝઘડા દાંપત્ય જીવનનું અભિન્ન અંગ ગણાય છે. જોકે, આ અબોલાનો નિવેડો બીજા દિવસના સૂર્યોદય ટાણે કે બહુ બહુ તો 48 કે 72 કલાકમાં આવી જતો હોય છે. હા, ક્યારેક પત્ની રિસાઈને પિયર જતી રહે તો પાંચ - છ દિવસ લંબાય પણ પછી સાહેબ સાસરે જઈ મેડમને મનાવી લે એટલે પત્યું. વળી આ અબોલડાનાં કારણો ક્યારેક સાવ ક્ષુલ્લક હોય છે તો ક્યારેક અહં ટકરાવાને લીધે થાય છે. જોકે, જાપાનમાં એક દંપતી વચ્ચે પૂરાં વીસ વર્ષ અબોલડા રહ્યા અને એ પણ એક જ છતની નીચે રહીને. રોજ બ્રેકફાસ્ટ, લંચ - ડિનર સાથે કરવાના અને ત્રણ બાળકોનો ઉછેર સુધ્ધાં કર્યો પણ આ દરમિયાન હોઠ સીવેલા ને સીવેલા જ રાખ્યા. પત્ની ક્યારેક કશુંક પૂછી લેતી, પણ પતિ હા - ના જેવા ટૂંકા જ જવાબ આપતો. બાળકો મોટાં થયાં, સમજણા થયાં. તેમનાથી પેરન્ટ્સની ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ સહન ન થયું. 18 વર્ષના મોટા પુત્રએ એક અનોખો આઈડિયા અપનાવી ટીવી શોને અપીલ કરી કે ‘મારા માતા - પિતામાં સુલેહ કરાવી દ્યો.’ ટીવીવાળાએ જે ગાર્ડનમાં બંને જણ પહેલી વાર મળ્યાં હતાં ત્યાં જ એમની અણધારી મુલાકાત કરાવી. એ માહોલમાં પહેલાં પ્યારની સ્મૃતિઓ તાજી થઈ, સ્નેહની સરવાણી ફૂટી અને અબોલડા ભાંગી ગયા. સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત હતી અબોલડાનું કારણ. પતિએ કહ્યું કે ’આપણી વચ્ચે વાતચીત થઈ એને વર્ષો વીતી ગયાં. બાળકોના ઉછેરમાં તે બહુ કાળજી લીધી, મુસીબતમાં પણ ડગમગી નહીં. એ માટે તારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. સાચું કહું તો મને તારી ઈર્ષ્યા થતી હતી એટલે હું વાત નહોતો કરતો.’ આ વાતચીત સાંભળી ટીવી શોના લોકો અને સંતાઈને ખેલ જોઈ રહેલાં સંતાનો ખડખડાટ હસી પડ્યાં. આ અલાયદા લાગણીસભર રિયુનિયનની વાત વાઇરલ થઈ અને અનેક લોકોના દિલ - દિમાગને સ્પર્શી ગઈ.

લીલા શેઠ: હાઈ કોર્ટનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ 

આજથી 35 વર્ષ પહેલાં (4 ઓગસ્ટ, 1991) જસ્ટિસ લીલા શેઠ (વિખ્યાત લેખક વિક્રમ શેઠનાં માતુશ્રી) સ્ટેટ હાઈ કોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયાં હતાં. લગ્ન પછી લીલા શેઠને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. જોકે, એ સમયે તેમનું પ્રથમ બાળક નાનું હતું એટલે તેમણે ‘કરિયર્સ એન્સાઈક્લોપીડિયા’ નામનું પુસ્તક ખરીદ્યું અને વર્ગમાં હાજરી આપ્યા વિના ઘેર બેઠા કાયદાનો અભ્યાસ થઈ શકે છે એ વાત તેમના ધ્યાનમાં આવી. લગનથી અભ્યાસ કરી લંડન બાર એક્ઝામમાં ફર્સ્ટ આવ્યાં. આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. એક્ઝામમાં ટોપ રહ્યાં એટલે લંડનના એક અખબારે શિશુ વયના તેમના પુત્ર સાથે તસવીર છાપી તેમનો ઉલ્લેખ Mother - in - Law તરીકે કર્યો હતો જ્યારે બીજાં અખબારોએ 580 વિદ્યાર્થીઓમાં એક મહિલા પ્રથમ આવી એ બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું. ભારત પાછા ફર્યા પછી શ્રીમતી શેઠ ટૅક્સને  લગતા કામકાજ સાથે સંકળાયા. સાથે સાથે સિવિલ, કંપની અને ક્રિમિનલ કેસના કામકાજમાં પણ સહભાગી થયાં. પતિની દિલ્હી બદલી થયા પછી લીલા શેઠે દિલ્હી હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને 1978માં તેમની નિમણૂક દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કરવામાં આવી હતી. આ પદ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. ત્યારબાદ તેઓ હિમાચલ પ્રદેશમાં પણ ચીફ જસ્ટિસ બન્યાં. 2012ના દિલ્હી રેપ કેસ પછી રચવામાં આવેલી જસ્ટિસ વર્મા કમિટીના તેઓ સભ્ય હતાં. પારિવારિક સંપત્તિમાં દીકરીઓને  સરખો હક મળે છે એ માટે જે કાયદાકીય ફેરફાર થયા એમાં તેમનું યોગદાન હતું. 86 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યારે તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર નહોતો થયો, પણ વૈજ્ઞાનિક સંશોધન માટે સોંપી દેવામાં આવ્યું હતું.

ફૂટબૉલના મેદાનમાં ટામેટાની ‘ખેતી’

યુએસ, કેનેડા અને મેક્સિકો એમ ત્રણ દેશના યજમાનપદ હેઠળ તાજેતરમાં રમાયેલી ‘ફિફા’ વર્લ્ડ કપ સોકર સ્પર્ધા રોમાંચક સાબિત થઈ. દિલધડક અને અણધાર્યા પરફોર્મન્સ જોવા મળ્યા. ખાસ તો ત્રીજા સ્થાન માટે રમાયેલી ઈંગ્લેન્ડ - ફ્રાન્સ મુકાબલો અને આર્જેન્ટિના - સ્પેન ફાઈનલમાં અદ્ભુત ખેલ તો જોવા મળ્યો, અણધાર્યા પરિણામ સુધ્ધાં જોવા મળ્યાં. એમાંય ફાઈનલ તો મેસી - આર્જેન્ટિના મારી જશે એવી મોટાભાગના ખેલકૂદ પ્રેમીઓની ગણતરી હતી જે ખોટી પડી. સ્પેન વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને સ્વદેશમાં ટીમના ખેલાડીઓનું મોટાપાયે સન્માન કરવામાં આવ્યું. આર્જેન્ટિનાના આક્રમણને ખાળવામાં મહત્ત્વનું યોગદાન આપનારા ફેબિયન રૂઈઝ અને ગેવિનું સન્માન એવી રીતે થયું જેની કલ્પના પણ ન થઈ શકે. સ્પેનનો સેવિલ પ્રાંત ટામેટાના ઉત્પાદન માટે નામના ધરાવે છે. આ બંને ખેલાડીઓને ત્રાજવામાં ઊભા રાખી એમના વજન જેટલાં ટામેટાં આપવામાં આવ્યાં. સ્પેનમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલો અઢી યુરો  (આશરે 275 રૂપિયા) છે. વજનકાંટા પર રૂઈઝનું વજન 85 કિલો આવ્યું જ્યારે ગેવિ 68.5 કિલો વજનનો દેખાયો. એ હિસાબે રૂઈઝના ભાગે આવેલા ટામેટાનું આર્થિક મૂલ્ય 212.5 યુરો (આશરે 23 હજાર રૂૂપિયા) જ્યારે ગેવિના ફાળે આવેલા ટામેટાનું આર્થિક મૂલ્ય 171 યુરો (આશરે 18 હજાર 800 રૂપિયા) થયું. જોકે, સ્પેનની ટીમને 51 મિલિયન ડૉલર પણ મળ્યા જેને કારણે પ્રત્યેક ખેલાડીને ખાસ્સી તગડી રકમ મળશે ડાકોરમાં બોડાણાનો નાથ તુલસીના પાંદડે તોળાયો હતો એનું સ્મરણ થયું. અલબત્ત એમાં ભક્તિભાવ હતો અને સ્પેનમાં ભૌતિકવાદ હતો. 

ચૅટજીપીટી વકીલના રોલમાં 

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ નામની ટક્નૉલૉજીનો મનુષ્ય જીવનમાં પગપેસારો ગજબનાક સ્વરૂપે અને અસાધારણ ગતિએ આગળ વધી રહ્યો છે. એવાં એવાં ઉદાહરણ જોવા મળે છે કે આપણા મગજનું જ હરણ થઈ જશે કે શું એવો વિચાર ઝબકી જાય છે. બિઝનેસ વધારવા, ક્રિયેટિવિટી ધારદાર બનાવવા જેવા કામથી માંડી દૈનિક જીવનની સમસ્યા કે પ્રસંગ ઉકેલવામાં પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું ChatGPT  નામક વ્યવસ્થા મદદનો હાથ લાંબો કરી રહી છે. આ સહાય કોર્ટમાં કેસ જીતવા સુધી પહોંચી ગઈ છે, બોલો. બ્રિટનના એક ફાયરમેનના જીવનમાં એનો સાક્ષાત્કાર જોવા મળ્યો છે. બન્યું એવું કે હિથ્રો એરપોર્ટ પર નોકરી કરતા ક્રેગ નામના શખ્સનું નસીબ ચમક્યું અને એને લોટરી લાગી. જીવનમાં ગર્લફ્રેન્ડનું આગમન થયું અને 2022માં ભાઈએ લોટરીના પૈસામાંથી બાવન લાખ રૂપિયા એને આપ્યા, પણ કન્ડિશન રાખી કે ફાઇનેન્સનું નોલેજ ધરાવતી ગર્લફ્રેન્ડ એ પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરશે અને જે નફો થાય એ સરખે ભાગે વહેંચી લેવાનો. જોકે, અચાનક બંને વચ્ચે અણબનાવ થયો અને બ્રેકઅપ થઈ ગયું. સંબંધ તૂટી જતાં ક્રેગે પૈસા પાછા માગ્યા, પણ પેલીએ તો મોઢું જ ફેરવી લીધું. ક્રેગ ગાંજ્યો જાય એવો નહોતો. કેસ ઠોકી દેવાનું નક્કી કર્યું. પણ... પણ વકીલોની તોતિંગ ફીના આંકડા સાંભળી ઘાટ કરતા ઘડામણ મોંઘી પડશે એનો ખ્યાલ આવી ગયો. નિરાશ થઈ ગયેલા અને હિંમત હારી ગયેલા ક્રેગને વિચાર આવ્યો કે ‘ચૅટજીપીટી’ની મદદ લીધી હોય તો? આ નવી ટેક્નૉલૉજીએ કાનૂની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે, કોર્ટમાં ફોર્મ કેવી રીતે ભરવાના જેવી મૂળભૂત સહાય કરી અને કેસ લડતી વખતે કેવી દલીલ કરવી એનું માર્ગદર્શન પણ આપ્યું. કોર્ટમાં ક્રેગની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની પૈસા પોતાના છે એ સાબિત કરવાની સર્વ કોશિશ નિષ્ફ્ળ રહી અને ફાયરમેનને પોતાની મૂડી પાછી મળી ગઈ. યુકેની યુનિવર્સિટીના એક સર્વે અનુસાર કોર્ટ કેસમાં એઆઈની મદદ લેનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

લ્યો કરો વાત 

કાલ્પનિક ભય અંગ્રેજીમાં ફોબિયા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીકાળમાં અનેક લોકોને ગણિતનો ફોબિયા હોય છે. કોઈને વળી અલગ ફોબિયા હોય છે. કોવિડ મહામારી દરમિયાન એક અમેરિકન સન્નારી બેક્ટેરિયા, વાઇરસ વગેરેથી એટલાં ગભરાતાં કે શૉપિંગ મોલમાં ખરીદી કરવા જતી વખતે લોકોનો સંપર્ક ટાળવા એકાદ કલાક માટે આખો મોલ જ ભાડેથી લઈ લેતાં. એ આવે ત્યારે આખા મોલમાં એક જ કર્મચારી હાજર હોય છે અને એ પણ સુરક્ષા કિટ અને માસ્ક સાથે. અઠવાડિયામાં નક્કી કરેલા એક દિવસ મોલના ઉઘાડવાના નિર્ધારિત સમયના  એક કલાક પહેલા એ મહિલા આવે છે અને મનગમતી ખરીદી થઈ જાય એટલે ઑનલાઈન પેમેન્ટ કરીને જતી રહેતી. પતિ - પત્નીના બેન્ક બેલેન્સ એટલાં તગડાં હતાં કે આવા ‘નખરા’ તેમને પોસાતા હતા.