Wed Sep 30 2026

Logo

મસ્તરામની મસ્તીઃ મોબાઇલ કે ભેંસ...  શું લેવાય?

2026-09-12 09:46:00
Author: Milan Trivedi
મસ્તરામની મસ્તીઃ મોબાઇલ કે ભેંસ...  શું લેવાય?

મિલન ત્રિવેદી

આજના જમાનામાં બાપ-દીકરા વચ્ચે `જનરેશન ગૅપ' માપવા માટે કોઈ મીટરની જરૂર નથી. ફક્ત દીકરાના હાથમાં રહેલા સ્માર્ટફોનની સ્ક્રીન અને બાપના મોઢા પરના કરચલીવાળા ભાવ જોઈ લો, આખોય ખેલ સમજાઈ જશે!

હમણાં જ ઘરની બહારથી જબરદસ્ત મગજમારીનો અવાજ આવ્યો. મેં ડોકિયું કર્યું તો શેરીના નાકે રમેશભાઈ અને એમનો ચિરાગ ઉર્ફે `ચિન્ટુ' સામસામે મોરચો માંડીને ઊભા હતા. મુદ્દો ગંભીર હતો. ચિન્ટુને નવો ફોન લેવો હતો અને રમેશભાઈને એના `ભાવ' સાંભળીને હાર્ટ એટેક આવતાં આવતાં રહી ગયો હતો.

`અલ્યા મૂઢા! 3 લાખનો ફોન હોય? મગજ ફરી ગયું છે તારું?' રમેશની આંખો બહાર નીકળી આવી હતી. 

`અલા, મારી ભેંસ આના કરતાં સસ્તી આવે છે! આટલા રૂપિયામાં તો ખરી ઓરિજિનલ જાફરાબાદી ભેંસ ઘરમાં આવી જાય!'

ચિન્ટુએ પોતાના વાળમાં હાથ ફેરવતાં, કાનમાં બડ્સ ભરાવેલા જ રાખતાં સહેજ હસીને કહી દીધું, `ડેડુ, તમે સાવ પ્રાચીન કાળના વિચારો ધરાવો છો! એ તમારી ભેંસ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી દે ખરી? કે પછી `વાઇરલ' થઈને ટે્રન્ડિંગમાં આવે?'

ચિન્ટુની આ વાત સાંભળી રમેશભાઈનો પિત્તો ગયો, `રીલની એસી તૈસી! અલ્યા ડફોળ, ભેંસ રોજ સવારે ને સાંજે દૂધ આપે, એ દૂધ ડેરીમાં ભરાવીએ એટલે રોકડા રૂપિયા કમાઈને દે! તારો આ અરીસા જેવો કાચનો કટકો તને કમાઈને દે છે?'

`અરે બાપા! `ચિન્ટુએ છાતી ઠોકીને કહ્યું, `તમને ખબર નથી! આજના જમાનામાં મોબાઇલ પણ કમાઈને દે છે. યુટ્યૂબની ચૅનલ, ફેસબુક મોનેટાઇઝેશન, રીલ્સના વ્યુઝ અને બ્રાન્ડ પ્રોમોશન... એક વાઇરલ વિડીયો થાય ને, એટલે ડૉલરનો વરસાદ થાય!'

રમેશે પોતાના ખેસથી મોઢું લૂછ્યું અને ચિન્ટુ સામે આંગળી ચીંધીને પૂછ્યું, `એ બધું ઠીક છે, પણ તારો આ મોબાઇલ બચ્ચાં દે? હેં? ભેંસ તો વ્યાય એટલે પાડી કે પાડો આપે. તારો આ ફોન બે વર્ષ પછી નવો નાનો ફોન આપે છે? તું ગરઢો થઈશ ને, તોય એ ભેંસની પેઢીઓ તારું ને તારા ઘરનું પાલન-પોષણ કરશે. આ ફોન તો બે વર્ષમાં ખાટલે પડશે ને વળી પાછો બીજો 3 લાખનો ખર્ચો કરાવશે!'

ચિન્ટુએ પણ આજના યુવાનની અદાથી જવાબ ફેંક્યો, `બાપા, તમે ભેંસના દૂધની વાત કરો છો, પણ જો મોબાઇલથી બરાબર ક્નટેન્ટ બની ગયું ને તો આ મોબાઇલ ધારે તો એક જ વારમાં આપણી સાત પેઢીનું કમાઈને દઈ દે!'

`સાત પેઢીનું?' રમેશ ખડખડાટ હસી પડ્યો. `અલ્યા, તારી સાત પેઢીમાં કોઈએ ફોનની સ્ક્રીન જોઈ નહોતી તોય સુખી હતા! આ મોબાઇલ તો માણસના સંબંધો તોડાવે એવું યંતર છે. ઘરમાં ચાર જણા બેઠા હોય તોય કોઈ કોઈની સામે જોતું નથી, બધા ફોનમાં જ અંગૂઠા ઘસતા હોય છે. એના કરતાં ભેંસનું પાંચ લિટર દૂધ કોઈને મફત આપી દો ને તો આખા ગામમાં એક મહિના સુધી તમારી વાહ-વાહ થાય! 'કાળુભાઈ તો દિલદાર માણસ છે, હોં!' એવી છાપ પડે. તારા મોબાઇલમાં કોઈને મફત 'હાઈ' કે 'હેલ્લો' મોકલીશ તો ગામમાં કોઈ વાહ-વાહ કરશે?'

આ બાપ-દીકરાનો સંવાદ સાંભળીને મને થયું કે વાત તો બંનેની પોતપોતાની જગ્યાએ સાચી છે! આજના યુગમાં `મૂલ્ય' (Value)ની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે.

જૂના જમાનામાં જે સ્થાન દૂધ, ઘી અને ખેતીનું હતું, એ સ્થાન આજે `ડેટા', `વાઈ-ફાઈ' અને `સોશ્યલ મીડિયા'એ લઈ લીધું છે.

નવી જનરેશનનાં લૉજિક પણ કંઈ કમ નથી:

નવી જૂની પેઢીની ખેંચતાણ એટલે દૂધની વાહ-વાહ વિ. મફત વાઈ-ફાઈ અને ઓટીટી.

કાળુભાઈ કહે છે કે પાંચ લિટર દૂધ મફત આપો તો ગામ વાહ-વાહ કરે, પણ આજના ચિન્ટુઓનું ગણિત અલગ છે! આજે જો તમે સોસાયટીના છોકરાઓને તમારા ઘરનું Wi-Fi Password મફતમાં આપી દો, અથવા તમારા Netflix/Hotstar પાસવર્ડ ફ્રેન્ડ સર્કલમાં વહેંચી દો તો આખી ગલીમાં રાતોરાત તમારી વાહ-વાહ થઈ જાય! છોકરાઓ તમને `દિલદાર ભાઈ' કહીને પૂજવા માંડે.

મોબાઇલ એટલે સંબંધ તોડવાનું અસ્ત્ર જ છે. પહેલાંના સમયમાં મોબાઇલમાં જ મશગૂલ રહેવાથી રૂબરૂ વાતચીત બંધ થઈ જતી અને સંબંધોમાં તિરાડ પડતી. આજે સંબંધ તોડવા માટે લાંબી માથાકૂટની જરૂર જ નથી!

કોઈનો મેસેજ આવ્યા પછી Seen કરીને રિપ્લાય ના આપો (જેને આજની ભાષામાં `Ghosting' કહેવાય છે).
ઇન્સ્ટાગ્રામ પરથી Unfollow કે Block કરી દો.
અથવા મિત્રની નવી રીલ પર `લાઇક' કે `કૉમેન્ટ' કરવાનું ભૂલી જાઓ!
બસ, આટલામાં જ વગર લાઠીએ વર્ષો જૂની મિત્રતાના કટકે-કટકા થઈ જાય છે!

બાપ બિચારો એમ વિચારે છે કે ભેંસ ખાતર આપશે જે ખેતરમાં કામ આવશે, પણ દીકરો વિચારે છે કે મોબાઇલથી એની `ઇન્સ્ટાગ્રામ ફિડ' સુધરશે! બાપને મન `મૂડી' એટલે તબેલામાં બાંધેલું ઢોર અને દીકરાને મન `મૂડી' એટલે એના ફૉલોઅર્સની સંખ્યા!

રમેશભાઈ પોતાની દલીલોના ભાથામાંથી હજુ નવા બાણ છોડી રહ્યા હતા.
`જો ચિન્ટુ' રમેશભાઈ થોડા નરમ થઈને બોલ્યા, `હું પૈસા બચાવવા ઝઝૂમું છું એ તારા ભવિષ્ય માટે છે. તું 3 લાખનો ફોન લઈને બે દિવસમાં `ડ્રૉપ ટેસ્ટ'ના નામે તોડી નાખીશ તો મારા જીવને બળતરા થશે. એના કરતાં ઈ જ પૈસા બૅન્કમાં મૂક, તો વ્યાજ આવશે!'

ચિન્ટુએ બાપના ખભા પર હાથ મૂકતાં કહ્યું, `બાપા, તમારી વાત સાચી. પણ આજના સમયમાં મોબાઇલ એ ખાલી રમકડું નથી, એક ટૂલ છે. જો એનો સાચો ઉપયોગ કરીએ ને તો ભેંસ ચારવા જવું ન પડે, ઘરેબેઠા કમાણી થાય!'

બાપાએ ઊંડો શ્વાસ લીધો, થોડીવાર વિચાર કર્યો અને પછી હસીને બોલ્યા, `સારું બેટા, તારો મોબાઇલ સાત પેઢીનું કમાઈ દે કે ના દે, પણ જો તું આ ફોન લીધા પછી રોજ સવારે મારી સામે જોઈને `ગુડ મૉર્નિંગ' કહેવાનું ચાલુ રાખે, અને જમતી વખતે ફોન બાજુમાં મૂકીને મારી સાથે બે ઘડી વાતો કરે... તો મને એમ લાગશે કે મારા 3 લાખ વસૂલ થઈ ગયા!'
ચિન્ટુ પણ હસીને બાપને ભેટી પડ્યો.

અંતે તો વાત એટલી જ છે કે જમાનો ગમે તેટલો બદલાય, ભેંસના દૂધની જગ્યાએ ભલે ઓટીટીના પાસવર્ડ આવી જાય અને ગામના ચોરાની જગ્યાએ ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ આવી જાય પણ જો સંબંધોમાં સંવેદના, માન અને પ્રેમ ન હોય તો 3 લાખનો ફોન પણ નકામો છે અને જાફરાબાદી ભેંસ પણ નકામી છે! મોબાઇલ જોડે જોડે મોહ અને મમતા પણ જાળવી રાખીએ, તો જ આ નવી જનરેશન અને જૂની જનરેશન વચ્ચેનો મેળ પડી શકે.                

વિચારવાયુ:
ભેંસ આખો દિવસ પાણીમાં રહે તો પણ બહાર નીકળે એટલે તેનું રૂટિન ચાલુ મોબાઇલ આખો દિવસ પાણીમાં રહે તો?