Thu Sep 10 2026

Logo

અંબાજી અને દાંતા-અમીરગઢના 34 ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી

2026-03-27 15:28:00
Author: Devayat Khatana
અંબાજી અને દાંતા-અમીરગઢના 34 ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત રૂ. ૧૪૧ કરોડની રકમની 'અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૧ અને ૨' નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્ય સરકારની આ યોજનાનો દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ ૩૪ ગામો અને અંબાજી શહેરના નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આશરે ૦.૭૮ લાખની વસ્તીને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ થશે . આ વિસ્તાર ડુંગરાળ અને ખડકાળ હોવાથી અત્યાર સુધી અહીંના ગામો ભૂગર્ભ જળ પર નિર્ભર હતા, જે હવે સરફેસ સ્ત્રોત એટલે કે સપાટી પરના સ્ત્રોત આધારિત યોજનામાં પરિવર્તિત થશે જેનો સીધો ફાયદો આરોગ્યને થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી એ ભારતનું એક મહત્વનું પવિત્ર યાત્રાધામ હોવાથી અને ભવિષ્યમાં આસપાસના વિસ્તારોમાં થનારા વિકાસને ધ્યાને રાખીને આ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સરકારે ભૂગર્ભ જળ પરની નિર્ભરતા ઘટાડીને નદી, કેનાલ અને જળાશય જેવા સ્ત્રોતો આધારિત યોજનાઓ અમલી બનાવી છે  રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ હેઠળ ૩,૩૦૦  કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે અત્યાર સુધી રાજ્યના ૧૫,૦૦૦ થી વધુ ગામો અને ૨૫૧ શહેરી વિસ્તારોને સરફેસ સ્ત્રોત આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે.