નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર (Agarkar)ની ચીફ સિલેક્ટર તરીકેની મુદત નહીં લંબાવવામાં આવે તો તેના સ્થાને ભારતના બીજા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન (Zaheer Khan)ને તેના સ્થાને નિયુક્ત કરવામાં આવશે એવી સંભાવના છે. થોડા દિવસ પહેલાં આ હોદ્દા માટે વીવીએસ લક્ષ્મણનું નામ પણ બોલાતું હતું.
એવું મનાય છે કે શ્રીલંકા સામે શરૂ થયેલી બે મૅચની ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ બીસીસીઆઇના ટોચના અધિકારીઓ આગરકર સાથે મીટિંગ રાખશે. એક અટકળ એવી પણ છે કે ક્રિકેટ બોર્ડ આગરકરની મુદત 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી લંબાવશે. જોકે રોહિત શર્માએ ટેસ્ટમાંથી અકાળે નિવૃત્તિ લઈ લેવી પડી તેમ જ તેની વન-ડે કારકિર્દી પણ જોખમમાં છે એ મુદ્દે બીસીસીઆઇ અને આગરકર વચ્ચે ખટરાગ હોવાનું મનાય છે.
ઝહીર ખાનની પહેલાં વીવીએસ લક્ષ્મણનું નામ આગરકરની જગ્યાએ બોલાતું હતું. જોકે લક્ષ્મણને ગૌતમ ગંભીરના સ્થાને હેડ-કોચ બનાવવાની પણ વાત હતી અને બે દિવસ પહેલાં એવો અહેવાલ વાઇરલ થયો હતો કે તેને બીસીસીઆઇમાં ડિરેકટર ઑફ ક્રિકેટનો હોદ્દો સોંપવામાં આવશે.
જો લક્ષ્મણ ચીફ સિલેક્ટર બનવા તૈયાર નહીં થાય અને આગરકરની એ પદની મુદત લંબાવવાની નહીં હોય તો ઝહીર ખાનને ચીફ સિલેક્ટર બનાવવામાં આવશે. ઝહીર ખાન 47 વર્ષનો છે. તે 2000થી 2014 દરમ્યાન ભારત વતી 200 વન-ડે, 92 ટેસ્ટ અને 17 ટી-20 રમ્યો હતો. તેણે કુલ 600થી પણ વધુ વિકેટ લીધી હતી.