સારાંશ જૈને નેટમાં આ દિગ્ગજને બે વખત મુશ્કેલીમાં મૂકી દીધો
કોલંબોઃ ગૉલમાં ભારતે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ 165 રનથી જીતી લીધી ત્યાર પછી હવે રવિવાર, 23મી ઑગસ્ટે કોલંબોમાં શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ પણ જીતીને યજમાનોનો 2-0થી વાઇટવૉશ કરવા ટીમ ઇન્ડિયા મક્કમ છે અને એ માટે ખુદ કૅપ્ટન શુભમન ગિલે કમર કસી છે, કારણકે તે રોજ કલાકો સુધી ખાસ કરીને લેફ્ટ-આર્મ સ્પિનર સામે પ્રૅક્ટિસ કરે છે.
આવું કરવા પાછળનું કારણ એ છે કે ગૉલની પ્રથમ ટેસ્ટના બન્ને દાવમાં ગિલ 34 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. પહેલા દાવમાં તે 16 રન બનાવ્યા બાદ જયસૂર્યાનો જે બૉલ મિડલ સ્ટમ્પની લાઇનમાં પડ્યા બાદ ટર્ન થયા પછી બહાર જઈ રહ્યો હતો એને છેડવા જતાં ગિલ મિડ-ઑફ પર લાહિરુ ઉડારાને કૅચ આપી બેઠો હતો. બીજા દાવમાં તેણે માંડ આઠ રન બનાવ્યા હતા ત્યાં જયસૂર્યાના જ બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
ગિલ બન્ને દાવમાં જયસૂર્યાના બૉલની લાઇનનો અંદાજ બરાબર નહોતો કરી શક્યો એટલે વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. એ તો સારું થયું કે બેઉ દાવમાં દેવદત્ત પડિક્કલ (167 અને 44 રન), કે. એલ. રાહુલ (82 રન અને 35 રન) તેમ જ રિષભ પંત (39 અને 66 રન) તેમ જ ધ્રુવ જુરેલ (પ્રથમ દાવમાં 51 રન)ના યોગદાનોએ ભારતને પડકારરૂપ ટોટલ અપાવ્યા હતા અને સ્પિનર માનવ સુથાર તથા રવીન્દ્ર જાડેજા તેમ જ અન્ય બોલર્સે શ્રીલંકન બૅટ્સમેનોની ખબર લઈ નાખી હતી એટલે ભારત 165 રનના તોતિંગ તફાવતથી જીતી શક્યું હતું.
ગૉલની ટેસ્ટમાં ગિલ લેફ્ટ-આર્મ સ્પિનર સામે ખૂબ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ગિલને 45 ટેસ્ટમાં 11 વખત લેફ્ટ-આર્મ સ્પિનરોએ આઉટ કર્યો છે. ગિલે કોલંબોના પ્રૅક્ટિસ-સત્રોમાં ખાસ કરીને લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર, રવીન્દ્ર જાડેજા તેમ જ અન્ય સ્થાનિક સ્પિનર સામે ખૂબ બૅટિંગ-પ્રૅક્ટિસ કરી છે.

ઑફ-સ્પિનર્સ અને લેગ-સ્પિનર્સ સામે ગિલની બૅટિંગ-ઍવરેજ ઘણી સારી (61.00) છે. ટીમ ઇન્ડિયાના બૅટિંગ-કોચ સાઇરાજ બહુતુલેએ પત્રકારોને કહ્યું, `ગિલ કોલંબોની પિચની સ્થિતિ તેમ જ આવનારા દિવસોમાં એ કેવી રીતે બદલાઈ શકે એનો અભ્યાસ કરી રહ્યો છે. પોતે કોની સામે ફરી ફૉર્મમાં આવવા કેવી રીતે રમવું એની રણનીતિ બનાવવામાં તેને બહુ વાર નથી લાગતી.'
દરમ્યાન કુલદીપ યાદવને બીજી ટેસ્ટમાં પડતો મૂકવામાં આવશે અને તેના સ્થાને સ્પિનર સારાંશ જૈનને ડેબ્યૂ કરવાનો મોકો અપાશે એવી અટકળ વચ્ચે અહેવાલ મળ્યો હતો કે ગુરુવારે કુલદીપે પ્રૅક્ટિસના સેશન દરમ્યાન કંઈ જ પ્રૅક્ટિસ નહોતી કરી. તેણે આરામ કર્યો હતે. જોકે ઑફ-સ્પિનર સારાંશે પ્રૅક્ટિસ સેશનમાં ખાસ કરીને રિષભ પંત અને શુભમન ગિલ સામે બોલિંગ કરી હતી. સારાંશે ખાસ કરીને પંતને બે વખત મુશ્કેલીમાં મૂકી દીધો હતો.