ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર શહેરની મુખ્ય બજારમાં આવેલા ઐતિહાસિક ભૂતિયા કોઠા નજીકથી પોલીસે એક શખ્સને 'કેટામાઈન' ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૫,૧૨૦ની કિંમતનું ૫.૧૨૦ ગ્રામ કેટામાઈન ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થ સપ્લાય કરનારા ગાંધીધામ અને અંજારના બે શખ્સોના નામ ખૂલતાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, રાપર શહેરની મુખ્ય બજારમાં ભૂતિયા કોઠા પાસે આવેલી રત્નેશ્વર જ્વેલર્સ નામની દુકાન આગળ એક શખ્સ કેફી પદાર્થ સાથે ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં બેઠેલા તુષાર હિતેશ સોની (રહે. રાપર) નામના યુવકની અટકાયત કરીને તલાશી લેતાં, તેના ખિસ્સામાંથી સફેદ રંગનો પાવડર આકારનો ૫.૧૨૦ ગ્રામ કેટામાઈન માદક પદાર્થ મળી આવ્યો હતો.
પકડાયેલા આરોપી તુષાર સોનીની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આ માદક પદાર્થ તેણે ગાંધીધામના ઈમરાન રાયમા પાસેથી રૂા. ૨૩,૦૦૦માં મગાવેલા ૧૦ ગ્રામ ડ્રગ્સનો ભાગ છે. આ જથ્થો આપવા માટે અંજારનો સમીર ઈમ્તિયાઝ રાયમા નામનો શખ્સ મોટરસાઇકલ પર રાપર આવ્યો હતો અને તેને ડિલિવરી આપી ગયો હતો.
આરોપીએ અગાઉ પણ આ નેટવર્ક પાસેથી ડ્રગ્સ મગાવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી, ગુનામાં સંડોવાયેલા ગાંધીધામ અને અંજારના બંને સપ્લાયરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)