Wed Jul 29 2026

Logo

મુંબઈમાં વિધાનભવન પાસે યુવકનો આત્મદહનનો પ્રયાસઃ આ કારણથી હતો 'નારાજ'

2026-03-11 19:59:00
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં વિધાનભવન નજીક યુવકે આત્મદહનનો પ્રયાસ કરતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના વતનમાં ભગવાન વિશ્ર્વકર્માની પ્રતિમા હટાવવામાં આવી હતી, જેને કારણે તે નારાજ હતો. પોલીસના જણાવ્યા મુજબ નરીમન પોઇન્ટ વિસ્તારમાં ઉષા મહેતા ચોક ખાતે બુધવારે આ ઘટના બની હતી. 

મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોલાપુર જિલ્લાના માધા તાલુકાના તાકલીનો રહેવાસી દાદાસો બબન કાલસૈત બુધવારે ઘટનાસ્થળે આવ્યો હતો. દાદાસો પોતાની સાથે કેરોસીન લાવ્યો હતો અને તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મદહનનો પ્રયાસ કર્યો હતો.

દાદાસો પોતાને નુકસાન પહોંચાડે એ પહેલા પોલીસ કર્મચારીઓ તથા રાહદારીઓએ તેને પકડી પાડ્યો હતો. તેને બાદમા મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસના જાણવા મળ્યું હતું કે દાદાસોના વતનમાં લોહાર સમાજની જમીન પર ગેરકાયદે સ્થાપિત ભગવાન વિશ્ર્વકર્માની પ્રતિમાને થોડા દિવસ અગાઉ નગર પંચાયત દ્વારા હટાવવામાં આવી હતી, જેને કારણે દાદાસો નારાજ હતો. 
દરમિયાન મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં દાદાસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 226 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.