Tue Jun 23 2026

Logo

માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપધાત, ઘરકંકાસના કારણે આપઘાત કર્યાનું અનુમાન!

2026-06-23 15:00:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર: જિલ્લાના પોલીસબેડામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક યુવા પોલીસકર્મીએ સોમવારે મોડી સાંજે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ અંતિમ પગલું ભરવા પાછળ પારિવારિક પ્રશ્નો જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસકર્મીએ ઘરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

મળતી વિગતો અનુસાર, આત્મહત્યા કરનાર યુવા પોલીસકર્મીનું નામ પર્વ ગોસ્વામી છે, જેઓ વર્ષ 2017માં પોલીસ દળમાં ભરતી થયા હતા. તેઓ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમની બદલી માણસા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. ઘટનાના દિવસે પર્વ ગોસ્વામી ફરજ પર નહોતા અને રજા મંજૂર કરાવીને પોતાના ઘરે જ હતા, તે દરમિયાન સોમવારે મોડી સાંજે તેમણે આ અણધાર્યું પગલું ભરી લીધું હતું.

પર્વ ગોસ્વામી મૂળ મહેસાણાના વતની હતા

છેલ્લા 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી પર્વ ગોસ્વામી મૂળ મહેસાણાના વતની હતા. તેઓ ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં એક નાનો પુત્ર છે. સોમવારે રાત્રે પર્વભાઈના પત્ની કોઈ કામસર થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, આ જ ટૂંકા ગાળા દરમિયાન તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની જ્યારે પરત ઘરે ફર્યા ત્યારે પતિને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

ઘરકંકાસના કારણે પગલું ભર્યાનું અનુમાન

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આશંકા છે કે કોઈ પારિવારિક કંકાસ કે માનસિક તણાવના કારણે યુવા કોન્સ્ટેબલે આ આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે

હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ મૃતકના મોબાઈલ ડિટેઈલ્સ અને પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિગતવાર તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.