ભુજઃ મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામના પાદરે આવેલી લેબર કોલોનીમાં રહેતા અને અજ્ઞાત કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનારા ૩૧ વર્ષીય નીરજકુમાર ભાગેન્દ્ર મહંતો નામના શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવા મુદ્દે શ્રમિકો અને સ્થાનિક પોલીસ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણ થયું હતું અને પોલીસ વાન પર પથ્થરમારો તેમજ લેબર કોન્ટ્રાકટરની કારમાં આગ ચાંપવા સહિતની ઘટનાથી વિસ્તારમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી. આ મામલે સાત આરોપી અને ૩૦૦ જણનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે મામલો
મુંદ્રા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, લેબર કોલોનીમાં રહેતા નીરજ કુમાર નામના પરપ્રાંતીય શ્રમિકે તેના રૂમમાં અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં લેબર કોલોનીમાં પહોંચેલી પોલીસે પંચનામું કરવા અને શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. આ વેળાએ આસપાસમાં રહેતા શ્રમિકોએ નીરજના પરિવારજનો સ્થળ પર ન આવે ત્યાં સુધી મૃતદેહ રૂમમાંથી બહાર ન લઈ જવા પોલીસ સમક્ષ માગણી કરી હતી.
કાયદા મુજબ પોસ્ટમોર્ટમ માટે લઈ જવો જરૂરી હોવાની પોલીસે સલાહ આપતાં મજૂરો ઉશ્કેરાયા હતા. મજૂરોની સંખ્યા અને તેમનો લાશ ન લઈ જવા મુદ્દે વધતો આક્રોશ વધતો જોઈને પોલીસે વલણ નરમ કર્યું અને સરકારી જીપ અને અંગત કાર લઈને આવેલા કર્મચારીઓ પરત જવા નીકળતા હતા.
આ દરમ્યાન પોલીસ બળજબરી કરી રહી હોવાની ફેલાયેલી અફવાના પગલે પોલીસનાં વાહનો પર ઉશ્કેરાયેલાં ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ પામીને પોલીસ કર્મચારીઓ વાહનોમાંથી બહાર નીકળીને જેમ-તેમ કરીને નીકળી ગયા હતા. દરમ્યાન ઉશ્કેરાયેલા લોકોએ વાહનો પર પથ્થરમારો કરીને એક વાહનને આગ ચાંપી દીધી હતી. તકેદારીના ભાગરૂપે રાત્રિના જ પશ્ચિમ કચ્છમાં અન્ય પોલીસ મથકોમાંથી પોલીસ જવાનો લેબર કોલોની ખાતે ખડકી દેવાયા હતા. હાલ અજંપાભરી શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સમગ્ર મામલે ભુજપુર આઉટપોસ્ટના ઈન્ચાર્જ લાલજી ગોકળ ચાડે આરોપીઓ પ્રદીપકુમાર સૂરજનારાયણ યાદવ, મહેમદ ઈશોદ, મહંમદ હાસીમ કલહાયા, છોટેલાલ લાલાન રામ, ફેરમુદ મહોરમઅલી, અંકિતકુમાર વંશરાજ બાસી, રહેબાન અલ્તાફ હુશેન, શ્યામલાલ ફતેહ શાંકેત અને અન્ય ૩૦૦ જણનાં ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ખોટી માગણી નહીં સંતોષવાનું મનદુ:ખ રાખી ગેરકાયદે મંડળી રચીને ઘર્ષણ ઉભું કર્યું હતું અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરી રહેલા પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઈરાદે પથ્થરમારો કરતાં પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ટોળાંએ સરકારી વાહનમાં ૫૦ હજારનું નુકસાન કર્યું હતું તેમજ એક ખાનગી કારને પલટાવી, સળગાવી દઈ, અંદર બેઠેલા પોલીસ કર્મચારીઓને મારી નાખવાની કોશિશ કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)