ગાંધીનગરઃ પાલજ ગામે 13મા માળેથી પડતાં યુવતીનું મોત થયું હતું. જેથી મૃતક યુવતીના પિતાએ જમાઈ સામે હત્યાના કાવતરાનો આક્ષેપ કરતી ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામમાં નિર્માણાધીન એક ફ્લેટના 13મા માળેથી શંકાસ્પદ રીતે નીચે પટાકાતા 29 વર્ષીય પરિણીતાનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ યુવતીના પિતાએ તેના જમાઈ રવી દેસાણી સામે તેમની પુત્રીને મરવા મજબૂર કર્યની ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવતીના લગ્ન 2018માં થયા હતા અને તેને બે સંતાનો છે. પતિ ટેક્સી ડ્રાઈવિંગ અને જમીન દલાલીનો ધંધો કરો છે. છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગાંધીનગર પાસે પાલજ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
યુવતીના પિતાના આરોપ મુજબ, લગ્ન પછીથી જ પતિ નજીવી બાબતોમાં તેમની દીકરી સાથે મારપીટ કરતો હતો. અગાઉ બગોદરા પાસે માર મારીને તેને પિયર મુકી ગયો હતો. આ ઉપરાંત સમાધાનના પ્રયાસો વખતે ઉશ્કેરાઈને પતિએ પિયરપક્ષે આપેલી કાર પણ સળગાવી દીધી હતી. છતાં, દીકરીનું ઘર ના ભાંગે એટલે પરિવારે સમજાવીને તેને સાસરે મોકલી હતી.
9 જુલાઈએ બનાવના દિવસે સાંજે 5 વાગ્યે તેમની પુત્રીએ તેની સાથે ફોનમાં વાત કરીને પાલજમાં એક નવી બની રહેલી બિલ્ડિંગમાં 15 લાખમાં 13મા માળે ફ્લેટ લેવા અંગે વાત કરી હતી. પરંતુ અડધા કલાકમાં જ અજાણ્યા નંબરથી તેમની પુત્રી 13મા માળેથી પડી ગઈ હોવાનો ફોન આવ્યો હતો. પતિ અગાઉ પણ તેની પુત્રીને ત્રણ વખત એ જ જગ્યાએ ફ્લેટ જોવાના બહાને લઈ ગયો હતો. બનાવના એક દિવસ પહેલાં પણ પતિ એકલો ત્યાં જઈ આવ્યો હતો.
બનાવ સમયે પતિ સીડીઓ તરફ ગયો હતો, તેનો મિત્ર બાળકને રમાડતો હતો અને સીડી ઉતરી રહેલી તેમની પુત્રી અચાનક નીચે પટકાઈ હતી. યુવતીના પિતાએ પતિના સતત માનસિક-શારીરિક ત્રાસ અને આ શંકાસ્પદ પ્લાનિંગના કારણે જ તેમની દીકરીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.