Wed Oct 07 2026

Logo

સુરેન્દ્રનગરમાં તાલિબાની કૃત્ય: મહિલાને ઢોરમાર મારી દુષ્કર્મ આચર્યું, વીડિયો વાયરલ કરનાર બે મહિલા સહિત નવ ઝડપાયા

2026-10-07 20:10:00
Author: Mumbai Samachar Team
સુરેન્દ્રનગરમાં તાલિબાની કૃત્ય: મહિલાને ઢોરમાર મારી દુષ્કર્મ આચર્યું, વીડિયો વાયરલ કરનાર બે મહિલા સહિત નવ ઝડપાયા

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાં મહિલાને માર મારી દુષ્કર્મ આચરવાના તેમજ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે બે મહિલા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મહિલા અન્ય એક પુરુષ સાથે ચાલી ગઈ હતી. ત્યારબાદ મહિલાના પતિ સહિતના લોકો બંનેને શોધી લાવ્યા હોવાનો આક્ષેપ છે. બંનેને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદમાં વિગતો સામે આવી હતી. ત્યારબાદ મહિલાને એક રૂમમાં પૂરી તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ પછી મહિલા તથા તેની સાથે રહેલા પુરુષ સાથે કથિત રીતે બળજબરીથી દુષ્કર્મ કરાવવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

ઘટનાનો વીડિયો એક સમાજ આગેવાનના ધ્યાને આવતા તેમણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન ફરિયાદી મહિલાની ઓળખ કરી સમગ્ર મામલે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ આગળ ધપાવી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ હેઠળ બે મહિલા સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા  હતા.

હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી હતી. ઘટનામાં વાયરલ થયેલા વીડિયો તથા અન્ય પુરાવાઓ અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ...