Thu Jul 23 2026

Logo

આકાશી આફતની રેલવે પર વ્યાપક અસર: ચોથા દિવસે પણ મુંબઈથી કચ્છ એક્સપ્રેસ રદ, મુસાફરો મુશ્કેલીમાં

2026-07-10 09:34:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સુરત પંથકમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિના કારણે કચ્છ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર હજુ પણ સંપૂર્ણ થાળે પડ્યો નથી. સતત ચોથા દિવસે પણ ટ્રેનોના શિડ્યુલ ખોરવાયેલા રહેતાં મુંબઈથી ભુજ આવતી એક મુખ્ય ટ્રેનને રદ કરવાની નોબત આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આજે ભુજથી મુંબઈ તરફ જતી બંને મુખ્ય ટ્રેનો નિયત સમયપત્રક મુજબ રવાના થઈ હતી.

રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈથી કચ્છ આવતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ અને બાંદ્રા-ભુજ સાપ્તાહિક ટ્રેન કલાકો સુધી અટવાઈ પડી હતી અને બુધવારે ભારે વિલંબ સાથે ભુજ પહોંચી હતી. અગાઉ મંગળવારે સયાજીનગરી એક્સપ્રેસને ગાંધીધામ ખાતે જ આંશિક રદ કરાઈ હતી, જ્યારે ગઈકાલે ભુજથી ઉપડતી અપ કચ્છ એક્સપ્રેસને રદ કરવામાં આવી હતી.

આ ખોરવાયેલા શિડ્યુલના કારણે પેરીંગ રેક (ટ્રેનના ખાલી ડબ્બા) સમયસર મુંબઈ ન પહોંચી શકતાં, આજે બાંદ્રા ટર્મિનસથી ભુજ આવતી ડાઉન કચ્છ એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૨૯૫૫) ને સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી હતી. સતત ચોથા દિવસે પણ ટ્રેનો રદ થવાની અને વિલંબની સ્થિતિ ચાલુ રહેતાં સેંકડો પ્રવાસીઓ ભારે હાલાકીમાં મુકાયા છે અને મુસાફરોના આગોતરા આયોજનો ખોરવાઈ ગયા છે.

(ઉત્સવ વૈદ્ય)