જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં બે દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાર જિલ્લામાં થઈને 60 ઇંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે, નદીઓ ગાંડીતૂર થઈ છે અને ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમ ઓવરફ્લો થવાથી જૂનાગઢ સહિત જિલ્લાના અનેક શહેર પર ખતરો ઉભો થયો છે.
જૂનાગઢમાં વરસાદથી ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો છે. વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા કણઝા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં નદીઓમાં પૂરને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મઘરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે માંગરોળ તાલુકાના જૂના કોટડા, નવા કોટડા, ભાટગામ, ખોડાદા, લંબોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાદાનો સંપર્ક તૂટ્યો છે. માણાવદર તાલુકાના ભીંડોળા, ઈન્દ્રા, મટીયાણા તથા કેશોદ તાલુકાના મોટી ઘણરી, ચાંદીગઢ, રંગપુર, એકલેરા, સિલોદર, બાવા સિમરોલી, ગેલાણા, પાણખાણ, અખોદર, મઘરવાડા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં 16 રસ્તા પણ બંધ છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે બે અલગ-અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કુલ 29 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. મેંદરડા નજીક આવેલા સમઢિયાળા ગામે રસ્તા પર પૂરના ધસમસતા પાણી ફરી વળતાં એક કાર, રિક્ષા અને વાન જેવા વાહનો અચાનક બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનોમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત કુલ 19 લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને જેસીબી સહિતના ભારે સાધનોની મદદથી ભારે જહેમત બાદ તમામ લોકોને સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. માણાવદર તાલુકાના બૂરી ગામે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા ઓએનજીસીના 10 કર્મચારીઓ ધસમસતા પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. તેમને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.