(અમારી પ્રતિનિધિ તરફથી)
પાલિતાણા/મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા આગામી "ફાગણ ફેરી" ના પાવન અવસરે પાલીતાણા જૈન મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને એક વિશેષ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાનાં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા પર ખૂબ મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ પાલિતાણા પહોંચતા હોય છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ રાત્રે ૨૧.૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે પાલીતાણા પહોંચશે. આ ટ્રેન મુસાફરોની સુવિધા માટે બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે.
વળતી મુસાફરીમાં ટ્રેન નંબર 09024 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ૧ માર્ચ ૨૦૨૬ (રવિવાર) ના રોજ પાલીતાણાથી રાત્રે ૨૦.૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09023 અને 09024 માટેનું બુકિંગ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (શનિવાર) થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની અધિકૃત વેબસાઇટ પરથી શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય અને સ્ટોપેજ સંબંધિત વધુ વિગતો માટે ભારતીય રેલવેની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.