ભુજઃ રસ્તાઓ પર સુરક્ષા જાળવવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિશેષ અભિયાન અંતર્ગત પોલીસે વિવિધ નિયમોના ભંગ બદલ કુલ ૨૪,૪૮૮ કેસ નોંધીને કુલ રૂ. ૭૧,૩૫,૫૦૦ નો દંડ ફટકાર્યો છે.
પોલીસની આ કાર્યવાહીમાં હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો સૌથી વધુ સંખ્યામાં નોંધાયા છે. આંકડાકીય વિગતો મુજબ, હેલ્મેટ વગરના ૧૦,૪૩૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, જોખમી રીતે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ૩,૩૪૬ અને સીટબેલ્ટ ન બાંધવા બદલ ૩,૧૦૬ કેસ કરવામાં આવ્યા છે. વાહનો પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ અને રોંગ સાઈડમાં વાહન હંકારનારાઓ સામે પણ પોલીસની ત્રાટકિત ટુકડીઓએ કડક વલણ અપનાવ્યું હતું.
આ ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ ૧,૪૧૬ વાહનો ડિટેઈન કર્યા છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ટ્રાફિક પોલીસે 'વન નેશન વન ચલણ' અંતર્ગત ડિજિટલ પ્રણાલી દ્વારા ૩,૧૪૯ ઈ-ચલણ પણ ફાડ્યા હતા.
માત્ર દંડકીય કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિભાગ દ્વારા વર્ષભરમાં ૬૨ જેટલા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાઓ અને જાહેર સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને પોતાની અને અન્યોની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવા સમજણ અપાઈ હતી.
આગામી સમયમાં બેફામ દોડતી લક્ઝરી બસો અને ઓવરલોડ વાહનો સામે પણ આ જ પ્રકારની કડક ઝુંબેશ ચલાવવી અનિવાર્ય હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)